સાઉદી અરેબિયામાં શ્રમિકો માટે ફેરફાર : કામદારોને મળશે અનેક સુવિધાઓ

February 04, 2025

સાઉદી અરેબિયાએ તેના શ્રમ કાયદામાં મોટા ફેરફારો કર્યા છે જેની ભારતીયો પર મોટી અસર પડશે. આ વિશે માહિતી આપતા, રાજ્યના માનવ સંસાધન મંત્રાલયે કહ્યું કે આ સુધારાઓનો ઉદ્દેશ્ય કામદારોના અધિકારોનું રક્ષણ કરવાનો છે અને તેમના માટે કામ કરવા માટે વધુ સારું વાતાવરણ ઊભું કરવાનો છે. નવા સુધારાઓમાં પ્રસૂતિ રજામાં વધારો, ઓવરટાઇમનું નિયમન અને રોજગારમાં તમામ પ્રકારના ભેદભાવ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

સુધારાઓ હેઠળ, સાઉદી અરેબિયા આ મહિનાથી મહિલાઓ માટે 10 અઠવાડિયાને બદલે 12 અઠવાડિયાની પ્રસૂતિ રજા શરૂ કરી રહ્યું છે. તેનાથી સાઉદીમાં કામ કરતી સગર્ભા મહિલા વર્કર્સને ફાયદો થશે. આ સિવાય જો કોઈ કામદારના જીવનસાથીનું મૃત્યુ થાય છે તો તેને 5 દિવસની પેઇડ લીવ મળશે. તેવી જ રીતે જો કોઈ શ્રમિકના લગ્ન કરવા હોય તો તેને 5 દિવસની રજા મળશે.

જો કોઈ મુસ્લિમ તહેવારો જેવા કે ઈદ વગેરે પર પણ કામ કરશે તો તેને ઓવરટાઇમ ગણવામાં આવશે અને ફિક્સ પગાર ઉપરાંત ઓવરટાઇમની સંપૂર્ણ રકમ કામદારને આપવામાં આવશે.હવે સાઉદી અરેબિયામાં કામદારોને વધુમાં વધુ 180 દિવસ માટે જ ટ્રાયલ પર રાખી શકાશે. શ્રમ કાયદામાં નવો સુધારો એમ પણ કહે છે કે કોઈપણ એમ્પ્લોયર જાતિ, રંગ, લિંગ, અપંગતા અથવા સામાજિક દરજ્જાના આધારે રોજગારમાં ભેદભાવ કરશે નહીં.