ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી, SCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત

February 04, 2025

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરાઈ છે. આજે (ચોથી ફેબ્રુઆરી) પત્રકાર પરિષદને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, કે 'ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને સમાન હક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઇની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, 'ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત સ્વીકારવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની આગેવાનીમાં હેઠળ પાંચ સભ્યની કમિટીની રચના કરી છે. આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત IAS અધિકારી સી.એલ. મીણા, એડવોકેટ આર.સી. કોડેકર, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ પણ સભ્ય છે. આ કમિટી 45 દિવસમાં એક રિપોર્ટ રજૂ કરશે, તેની સમીક્ષા કર્યા પછી રાજ્ય સરકાર આગળ નિર્ણય કરશે.' પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, '45 દિવસમાં કમિટી દ્વારા જે રિપોર્ટ આવશે, તેનો રિવ્યૂ કરાશે. આ રિવ્યૂ બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે. કોઈ જ્ઞાતિ-જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રખાશે. આ કાયદો કોઈ એક સમાજ માટે નથી લાવવામાં આવી રહ્યો, તમામ નાગરિકો માટે સમાન કાયદા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.' કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદા એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરાશે.