અમેરિકાના મેનહટ્ટનમાં એક શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું, પોલીસ અધિકારી સહિત પાંચ લોકોના મોત

July 29, 2025

અમેરિકાના મેનહટનમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. અજાણ્યા શખ્સે અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું. 345 પાર્ક એવેન્યૂમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં NYPD અધિકારી સહિત પાંચ લોકોના મોત નિપજ્યાં છે. ફાયરિંગ બાદ આરોપીએ આપઘાત કર્યો હતો. બિલ્ડિંગના 33માં માળેથી મૃત હાલતમાં મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમેરિકાના મેનહટનમાં સોમવારે સાંજે એક શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં ન્યૂયોર્કના પોલીસ અધિકારી સહિત પાંચ લોકોના મોત નિપજ્યાં છે. આ હુમલામાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની વિગતો મીડિયા રીપોર્ટ દ્વારા જાણવા મળી છે. આ ઘટના 44 માળના 345 પાર્ક એવેન્યૂ બિલ્ડિંગમાં બની હતી. જ્યાં બ્લેક સ્ટોન અને NFLનું હેડક્વાર્ટર છે.

અમેરિકન પોલીસે મીડિયાને જણાવ્યા પ્રમાણે 27 વર્ષના શેન તુમરા નામના શખ્સે સોમવારે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ બિલ્ડિંગમાં ઘૂસીને રાયફલથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેણે પોતાની જાત પર ફાયરિંગ કરીને આપઘાત કરી લીધો હતો. જેમાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. ફાયરિંગ કરનાર આ શખ્સ નેવાડાના લાસ વેગાસનો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ન્યૂયોર્કના પોલીસ અધિકારી જેસિકા ડિશ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. હાલમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. તે ઉપરાંત શૂટરને પણ ન્યૂટ્રલાઈઝ કરવામાં આવ્યો છે. શહેરમા મેયરે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, મીડટાઉનમાં હાલમાં એક એક્ટિવ શૂટરની તપાસ ચાલી રહી છે. જેથી સુરક્ષિત સ્થાને સલામત રહો. જો તમે આ વિસ્તારમાં છો તો બહાર ના નીકળો. આ ઘટનાની જાણ થતાં જ FBI પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. FBIના અધિકારીએ એક્સ પર લખ્યું હતું કે, તેમની ટીમ એક્ટિવ ક્રાઈમ સીનમાં સપોર્ટ કરી રહી છે. પોલીસ હાલમાં આરોપીનો ફાયરિંગ કરવાનો હેતુ શું હતો, તે એકલો હતો કે કોઈ નેટવર્ક સાથે જોડાયેલો હતો તેની તપાસ કરી રહી છે.