રશિયાની સરકારી એરલાઈન એરોફ્લોટ પર સાયબર એટેલ, 100 વધુ ફ્લાઈટો રદ

July 29, 2025

રશિયાની સરકારી એરલાઈન એરોફ્લોટ પર સાયબર હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલાને કારણે સોમવારે એરલાઇનની કમ્પ્યુટર સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ, જેના પરિણામે 100થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી અને અનેક ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. ઉલ્લેખનીય છે કે યુક્રેનિયન અને બેલારુસિયન હેકર જૂથોએ આ હુમલાની જવાબદારી લીધી છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. 

રશિયન મીડિયા આ હુમલાને એરોફ્લોટના ઇતિહાસમાં સૌથી મોટો સાયબર હુમલો ગણાવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર યુક્રેનના હેકર જૂથ ‘સાયલન્ટ ક્રો’ અને બેલારુસના ‘બેલારુસ સાયબર પાર્ટિસન્સ’એ આ હુમલો કર્યો હતો. બેલારુસનું આ જૂથ રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોના શાસનનો વિરોધ કરે છે. હુમલાને કારણે એરોફ્લોટની સેવાઓ કલાકો સુધી ખોરવાઈ હતી, જેની અસર એરલાઇનની સહાયક કંપનીઓ રોસિયા અને પોબેડાની ફ્લાઇટ્સ પર પણ પડી હતી. 

મોટાભાગની રદ થયેલી ફ્લાઇટ્સ ઘરેલુ હતી, પરંતુ બેલારુસ, આર્મેનિયા અને ઉઝબેકિસ્તાન જતી ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ રદ કરવી પડી. એરોફ્લોટે જણાવ્યું કે તેની આઇટી સિસ્ટમમાં તકનીકી સમસ્યાઓ ઊભી થઈ, અને રશિયન વહીવટે પાછળથી આને સાયબર હુમલો હોવાની પુષ્ટિ કરી, જેની ફોજદારી તપાસ શરૂ કરવામાં આવી છે.