અદાણી એન્ટરપ્રાઇઝીસને ત્રીજા ક્વાર્ટરમાં 820 કરોડનો નફો:પરિણામ બાદ શેરમાં 4%નો ઉછાળો

February 14, 2023

મુંબઈ   : અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે મંગળવારે ડિસેમ્બર 2022ના અંતના ત્રીજા ક્વાર્ટરનાં પરિણામોની જાહેરાત કરી. કંપનીએ આ ત્રીજા ક્વાર્ટરમાં 820 કરોડનો નેટ પ્રોફિટ કર્યો છે. જ્યારે એક વર્ષ પહેલાં જ આ જ ત્રીજા ક્વાર્ટરમાં 12 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સપ્ટેમ્બર 2022ના ગયા ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ 460 કરોડનો નફો કર્યો હતો.

કંપનીના ઓપરેશનથી રેવન્યુ 42% વધીને 26,612 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ પહેલાં સમાન ત્રીજા ક્વાર્ટરમાં તે 18,758 કરોડ રૂપિયા હતા. જ્યારે, કંપનીનો કુલ ખર્ચ વધીને 26,171 કરોડ થયો છે, જે એક વર્ષ પહેલાં (YoY) 19,047.7 કરોડ હતો.

પરિણામ બાદ અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરમાં લગભગ 4%ની તેજી જોવા મળી રહી છે. પહેલાં તેમાં 4%નો ઘટાડો હતો. જ્યારે ગ્રુપની 10માંથી 6 કંપનીઓના શેર 5% ઘટ્યા છે. તેમાં ગ્રીન એનર્જી, પાવર, ટોટલ ગેસ, ટ્રાન્સમિશન વિલ્મર અને NDTV છે. જ્યારે સિમેન્ટ કંપની અંબુજા અને ACCમાં પણ ઘટાડો છે. જો કે અદાણી પોર્ટ્સના શેર લગભગ 0.39% વધીને કારોબાર કરી રહ્યા છે.

ગૌતમ અદાણી ગ્લોબલ ઉદ્યોગપતિઓની યાદીમાં 24મા નંબર પર આવી ગયા છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલેનિયર ઈન્ડેક્સ મુજબ 14 ફેબ્રુઆરીએ અદાણીની નેટવર્થ ઘટીને 4.31 લાખ કરોડ રૂપિયા (52.2 બિલિયન ડોલર) થઈ ગઈ હતી. સોમવારે તેમની નેટવર્થ 4.49 લાખ કરોડ રૂપિયા (54.4 અબજ ડોલર) હતી અને તેઓ 23મા નંબરે હતા. 24 જાન્યુઆરીએ હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા પહેલાં તેઓ યાદીમાં ત્રીજા નંબર પર હતા.

24 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથને લગતો એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટમાં ગ્રુપ પર મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો લગાવવામાં આવ્યા હતા. રિપોર્ટ બાદ ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝીસનો શેર શુક્રવારે એટલે કે 3 ફેબ્રુઆરીએ રૂ. 1000ની નજીક પહોંચી ગયો હતો. જો કે, પાછળથી તે રિકવર થઈ ગયો હતો.