13 વર્ષની મથામણ બાદ સંશોધકને જંગલમાં જાદુઈ ફૂલ ખીલતું જોવા મળ્યું

November 29, 2025

સુમાત્રા : ઈન્ડોનેશિયામાં સુમાત્રાના વર્ષા જંગલોમાં એક દુર્લભ ફૂલ ખીલ્યું હતું. કોઈ માણસે છેલ્લાં ૧૦ વર્ષથી આવું ફૂલ ખીલતું જોયું ન હતું. ઈન્ડોનેશિયાના સંશોધક સેપ્ટિયન આંદ્રિકી - કે જે ડેકીના હુલામણા નામે ઓળખાય છે - તેણે આ ફૂલ ખીલતું જોવા માટે ૧૩-૧૩ વર્ષ સુધી તપસ્યા કરી હતી. આખરે જ્યારે તેની નજર સામે ફૂલ ખીલ્યું ત્યારે એ આનંદિત થઈને ચોધાર આંસુએ રડી પડયો હતો. વનસ્પતિશાસ્ત્રમાં રેફલેસિયા હેસેલ્ટી નામનું દુર્લભ ફૂલ ખૂબ મૂલ્યવાન ગણાય છે. એ ફૂલની લાઈફ સાઈકલ ૯ મહિનાની હોય છે. કળીમાંથી નવ મહિના બાદ ફૂલ ખીલે છે અને થોડા દિવસ સુધી જ એ ફૂલ ખીલેલું રહે છે ને પછી કરમાઈ જાય છે. આવા ફૂલને ખીલતું જોવા માટે ઈન્ડોનેશિયાના સંશોધક-પર્યાવરણવિદ્ સેપ્ટિયન આંદ્રિકી (ડેકી) છેલ્લાં ૧૩ વર્ષથી ગાઢ જંગલમાં રખડતો હતો, પરંતુ તેને એ ફૂલ ખીલતું જોવા મળતું ન હતું.થોડા મહિના પહેલાં જંગલના એક રેન્જરે આ ફૂલની કળીનો ફોટો મોકલ્યો હતો. એ પછી ડૈકી ઉપરાંત ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધક ક્રિસ થોરોગુડ અને એ સિવાયના એક-બે રેન્જર્સ ખુંખાર વાંઘોની ટેરેટરીમાં ૨૩ કલાકની થકાવનારી યાત્રા કરીને આવી પહોંચ્યા હતા. નવા મહિના પછી ફૂલ ખીલવાનું હોવાથી આ સંશોધકોની ટૂકડીએ ફૂલ પર નજર જમાવી રાખી હતી. મોડી સાંજ થવા આવી છતાં ફૂલ ખીલ્યું નહીં, વાઘોના ભયાનક અવાજો સંભળાતા હતા. જો ટીમ એ જગ્યા છોડી દે તો શક્ય છે કે સવાર સુધીમાં દુર્લભ ફૂલ ખીલી જાય. આખરે જોખમ ખેડીને વધુ કલાકો રાહ જોવાનું નક્કી થયું. ને તે પછી એ ક્ષણ આવી ગઈ. ચાંદની રાતમાં ફૂલ ધીમે ધીમે ખીલવા માંડયું. ફૂલ પૂર્ણકળાએ ખીલી ગયું એ જોઈને સંશોધક ડેકી ચોધાર આંસુએ રડી પડયો. તે માની નહોતો શકતો કે ૧૩ વર્ષની મથામણ બાદ એ આ ક્ષણનો સાક્ષી બન્યો છે. એક મીટર લાંબી કળી ધરાવતા આ ફૂલનો વજન ૬ કિલો જેટલો હોય છે.