ઈઝરાયલની ગાઝા પર એરસ્ટ્રાઈક, હમાસના ટોપ લીડરનું મોત, તેની પત્ની સહિત 19ના મોત

March 23, 2025

ઈઝરાયલ : ઇઝરાયલના હવાઈ હુમલામાં હમાસના વધુ એક ટોચના નેતાનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર, ગાઝાના ખાન યુનિસ પર ઇઝરાયલી હવાઈ હુમલામાં હમાસના વરિષ્ઠ રાજકીય નેતા સલાહ અલ-બરદાવિલનું મોત થયું. 23 માર્ચ 2025ના રોજ રાત્રિના સમયે આ હુમલો થયો હતો. જેમાં અલ-બરદાવિલની સાથે તેમની પત્ની અને 19 પેલેસ્ટિનિયનના પણ મોત થયા હતા. આ ઘટના બાદ હવે ઇઝરાયલ અને હમાસ સંઘર્ષ વધે તેવી પૂર્ણ શક્યતાઓ છે.


બીજી તરફ યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ઇઝરાયલ પર એક મિસાઇલ છોડી હતી. જો કે, ઇઝરાયલી સૈન્યના જણાવ્યા અનુસાર, આ મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી હતી અને તેમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.


મીડિયાના અહેવાલ અનુસાર, દક્ષિણ ગાઝા પટ્ટીમાં રવિવારે રાત્રે ઇઝરાયલી હુમલામાં હમાસના એક વરિષ્ઠ નેતા સહિત ઓછામાં ઓછા 19 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ ઇઝરાયલ પર વધુ એક મિસાઇલ છોડી, જેના કારણે હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે દુશ્મનોની મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી હતી. જેમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.


મીડિયાના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગાઝાની બે હોસ્પિટલોએ જણાવ્યું હતું કે, રાત્રિના હુમલામાં માર્યા ગયેલા બાળકો અને મહિલાઓ સહિત 17 લોકોના મૃતદેહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હમાસે જણાવ્યું હતું કે ખાન યુનિસ નજીક થયેલા હુમલામાં તેના રાજકીય બ્યુરો અને પેલેસ્ટિનિયન સંસદના સભ્ય સલાહ બરદાવિલ અને તેમની પત્ની માર્યા ગયા હતા. બારદાવિલ હમાસના રાજકીય પાંખના જાણીતા સભ્ય હતા. હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલા મૃત્યુઆંકમાં હમાસ નેતા અને તેમની પત્નીના નામનો સમાવેશ થતો નથી.