સાણંદમાં ઘરકંકાસના કારણે પરિવાર વિખેરાયો: પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યો

March 26, 2025

અમદાવાદ- સાણંદ તાલુકાના શેલા ગામમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે. મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના વતની અને શેલા ખાતે આવેલા સ્પોર્ટ્સ સંકુલ ગ્રાઉન્ડમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા વિક્રમસિંહ રાજપૂત પોતાની પત્ની અને ત્રણ વર્ષના બાળક સાથે ત્યાંજ રહેતા હતા. વિક્રમસિંહના પિતા સુખવીરસિંહ પોતાના પૌત્ર માટે આજે બુધવારની (26 માર્ચ, 2025) સવારે દૂધ અને બિસ્કિટ લઈને સ્પોર્ટ્સ સંકુલ આવ્યા હતા. જ્યાં રૂમમાં તેમની પુત્રવધુ પથારીમાં મૃતહાલતમાં પડી હતી. જ્યારે વિક્રમસિંહે બીજા રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. આ સમગ્ર મામલાની જાણ થતા બોપલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક હાથ ધરી હતી. બોપલ પોલીસે વિક્રમસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક વિક્રમસિંહ ઉગ્ર સ્વભાવનો હતો. તે પત્ની પર શંકા રાખીને અવારનવાર તેની સાથે મારઝૂડ કરતો હતો. થોડા દિવસ પહેલા જ વિક્રમસિંહે પિતા સાથે પણ મારઝૂડ કરી હતી. જેના પગલે તેઓ અલગ રહેવા જતા રહ્યા હતા.