પાલીતાણાના ડુંગરો પર લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબુ

March 31, 2025

પાલીતાણા : ભાવનગર જિલ્લાના પાલિતાણાના હસ્તગીરી ડુંગર અને મહુવા તાલુકાના વાવડી ગામના ડુંગરો છેલ્લા 24 કલાકથી આગની ચપેટમાં છે. ઘટનાસ્થળે ફાયર વિભાગના વાહનો પહોંચી શકે તેમ ન હોવાથી આગ વધુ પ્રસરે નહી તે માટે દેશી પદ્ધતીથી આગ ઓલવવાની કામગીરી ચાલી રહ્યાં છે. તેવામાં બંને ડુંગરોમાં લાગેલી આગ કંટ્રોલમાં હોવાનો તંત્રએ દાવો કર્યો છે. 
ભાવનગર જિલ્લાના પાલિતાણાના હસ્તગીરી ડુંગરો પર ગત શનિવારની રાત્રિના આગ લાગી હતી. જે કાબુમાં આવ્યા બાદ ગઈકાલે રવિવારના બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પવનના કારણે ફરીથી હસ્તગીરીના ડુંગરો પર આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને લઈને પાલિતાણા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ ડુંગરોની ખીણ વચ્ચે સુકાઘાસમાં આગ પ્રસરી હોવાથી ફાયર વિભાગના વાહનો ત્યાં પહોંચી શકે તેમ ન હતા. હાલ ઘટના સ્થળે પાલિતાણા ફાયર વિભાગ અને વનવિભાગ સ્ટેન્ડબાય હોવાનું અને આગ કાબુમાં હોવાનું ડિઝાસ્ટર મામલતદાર ભાવનગર દ્વારા જણાવાયું છે. 
જ્યારે બીજી તરફ મહુવા તાલુકાના વાવડી ગામના ડુંગરોમાં ગત રોજ બપોરે ત્રણ વાગ્યે લાગેલી આગ કંટ્રોલમાં હોવાનું ડિઝાસ્ટર મામલતદાર જણાવ્યું હતું. આગ લાગવાની બંને ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ વિસ્તારમાં નાના-મોટા પશુ-પંખીઓ અને વન્યજીવોની અવર-જવર હોવાથી અહીંની વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણને નુકસાન થયું હોવાની સંભાવનાઓ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.