અંબાજીમાં ભક્તોની ભારે ભીડ, જય-અંબેના નાદથી ગુંજી-ઉઠયું મંદિર

March 31, 2025

ગઈકાલથી ચૈત્ર નવરાત્રીનો શુભ-આરંભ થયો છે. આ ચૈત્ર શુક્લ પક્ષની વાસંતિક નવરાત્રી છે, હિન્દુ નવું વર્ષ ચૈત્ર નવરાત્રીથી શરૂ થાય છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નવરાત્રિનો પ્રથમ દિવસ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવાયો હતો. અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો છે. સવારે મંગળા આરતીમાં બહોળી સંખ્યામાં ભકતો જોડાયા હતા.

ગઈકાલે અંબાજી મંદિરમાં મંગળા આરતી પછી ઘટ સ્થાપના કરાયું હતું. જે ૫૧ શક્તિપીઠોમાંનું એક અને આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે, આ તકે પરિસરમાં "બોલ મારી અંબે, જય જય અંબે"ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી.

નવરાત્રિ પ્રારંભ પ્રસંગે અંબાજી વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું કે, અંબાજી ખાતે ભટ્ટજી મહારાજ અને પંડિતોની હાજરીમાં શાસ્ત્રો વિધિ થકી ઘટ્ટ સ્થાપના વિધિ પૂર્ણ કરાઈ છે. બહોળી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતે માં અંબાના દર્શેને પધાર્યા હતા. વિશ્વ કલ્યાણ હેતુ તમામ વિધિઓ પૂર્ણ કરાઈ છે તેમ તેમણે જણાવ્યું હતું.