માધવપુરનો મેળો, શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરાશે

March 30, 2025

પોરબંદર: ગુજરાતના પોરબંદર નજીક માધવપુર ઘેડનો મેળો યોજાય છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આગામી 6 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન ઘેડના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદર જિલ્લામાં યોજાવનારા માધવપુર મેળામાં ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીની લગ્નકથા, ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીનો પ્રેમ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નીહાળવા મળશે. આ સાથે મેળામાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના રાજ્યોના હસ્તકલાના કારીગરોને સ્ટોલ આપીને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે. 
પોરબંદરથી 46 કિલોમીટર દૂર પૌરાણિક ઐતિહાસિક અને વિરાસત ધરાવતું માધવપુર ગામ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહનું સાક્ષી હોવાનું માનવામાં આવે છે. માધવપુર ઘેડ મેળામાં ચાર દિવસ બાદ પાંચમા દિવસે દ્વારકામાં માતા રુક્ષ્મણીનો સત્કાર સમારંભ ભવ્ય રીતે ઉજવાય છે.