વિવાદો વચ્ચે જજ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર

March 29, 2025

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના ઘરેથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા, જેની હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા આંતરિક તપાસ ચાલી રહી છે. એવામાં સુપ્રીમની કોલેજિયમે જજ વર્માની દિલ્હી હાઇકોર્ટથી અલ્લાહાબાદ હાઇકોર્ટ ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો જેને સરકારે મંજૂર કરી લીધો છે. જે સાથે જ જજ વર્માનું હવે દિલ્હીથી અલ્લાહાબાદ હાઇકોર્ટ ટ્રાન્સફર થઇ ગયું છે. જોકે સુપ્રીમે હાઇકોર્ટને કહ્યું છે કે હાલ જજ વર્માને કોઇ જ ન્યાયિક કામ સોંપવામાં ના આવે. ૧૪મી માર્ચે જજ વર્માના દિલ્હી સ્થિત સરકારી આવાસ પર આગ લાગી હતી, જેને ઠારવા ગયેલી ફાયર બ્રિગેડની ટીમને એક રૂમમાં સળગેલી નોટો મળી હતી, જેનો તે સમયે જ વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો. આ વીડિયો બાદમાં દિલ્હી પોલીસ પાસેથી દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસે પહોંચ્યો હતો, જેમણે સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્નાને સોંપ્યો હતો સાથે જ જજ વર્મા સામેનો તપાસ રિપોર્ટ પણ સોંપ્યો હતો. સુપ્રીમ કોર્ટે બાદમાં જજ વર્માની સામે હાઇકોર્ટના બે મુખ્ય ન્યાયાધીશ અને એક ન્યાયાધીશની વડપણમાં તપાસ કમિટી રચી છે. જે હાલ જજ વર્માની સામે આ રૂપિયા મળ્યા તે મુદ્દે તપાસ કરી રહી છે. આ ઘટનાક્રમ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જજ વર્માનું દિલ્હીથી અલ્લાહાબાદ હાઇકોર્ટ ટ્રાન્સફર કરવા કહ્યું હતું. સરકારે આ ભલામણ સ્વીકારીને આખરે ટ્રાન્સફરનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જોકે સુપ્રીમે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે ટ્રાન્સફરને અને ઘરેથી રૂપિયા મળવાની ઘટનાને કઇ લેવાદેવા નથી. ટ્રાન્સફરનો નિર્ણય સ્વતંત્ર છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશન વચ્ચે મુખ્ય ન્યાયાધીશ સંજિવ વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કહ્યું છે કે તેઓ જજ વર્માની સામે હાલ તપાસ ચાલી રહી છે તેથી તેમને કોઇ પણ પ્રકારનું ન્યાયિક કામ નહીં સોપે. જજ વર્મા દિલ્હી હાઇકોર્ટમાં આવ્યા તે પૂર્વે તેઓ અલ્લાહાબાદ હાઇકોર્ટમાં જ સેવા આપી રહ્યા હતા જ્યાં તેમને પાછા મોકલી દેવાયા છે. જોકે આ નિર્ણયનો અલ્લાહાબાદ હાઇકોર્ટ બાર અસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. પરંતુ આ વિરોધની કોઇ અસર જોવા નહોતી મળી અને આખરે જજ વર્માને અલ્લાહાબાદ હાઇકોર્ટમાં જ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.