અજિત પવારના જૂથને 'ચાંદી જ ચાંદી', ડે.સીએમની સાથે 11 નેતાઓને મંત્રી બનવાની શક્યતા

December 03, 2024

મહારાષ્ટ્રમાં ભલે હજુ સુધી મુખ્યમંત્રીનું નામ ફાઈનલ નથી થયું પરંતુ 5 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહ થશે એ નક્કી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે અને એકનાથ શિંદે તથા અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. આ વચ્ચે અજિત પવાર ઉપરાંત મંત્રીમંડળમાં NCPના 11 નેતાઓના મંત્રી બનવાની શક્યતા છે, ત્યારે હવે કયા નેતાઓને સામેલ કરવામાં આવશે તેના સંભવિત નામ સામે આવ્યા છે. 
NCPના સંભવિત મંત્રીઓના નામ : અજિત પવાર, આદિતી તટકરે, છગન ભુજબલ, દત્તા ભરણે, ધનંજય મુંડે, અનિલ ભાઈદાસ પાટિલ, નરહરી ઝિરવાલ, સંજય બનસોડે, ઈન્દ્રનિલ નાઈક, સંગ્રામ જગતાપ, સુનિલ છેલકે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અજિત પવારને ડેપ્યુટી સીએમ પદ સાથે નાણા મંત્રાલય મળવાની શક્યતા છે. જ્યારે શહેરી વિકાસ અને જાહેર બાંધકામ વિભાગ જેવા મોટા મંત્રાલયો શિવસેના એકનાથ શિંદે જૂથ પાસે જઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, PWD, અર્બન ડેવલપમેન્ટ, નાણા મંત્રાલયને લઈને અજિત પવાર જૂથ અને શિવસેના શિંદે જૂથ વચ્ચે પેંચ ફસાયો છે. બંને જૂથ આ મંત્રાલય લેવા માગે છે. આ વચ્ચે અજિત પવાર હાલમાં દિલ્હીમાં છે. એવું માનવામાં આવે છે કે તેઓ ભાજપ હાઈકમાન્ડ સાથે તેમની પસંદગીના મંત્રાલયોને લઈને વાત કરી શકે છે.