શિંદેની નારાજગી સમાપ્ત, ગૃહ ખાતાની જીદ પણ છોડી

December 03, 2024

દિલ્હી : મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની ઘોષણા મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારોહથી એક દિવસ પહેલાં બુધવારે કરવામાં આવશે. ભાજપના વરિષ્ઠ નેતાએ સોમવારે જણાવ્યું કે, મુખ્યમંત્રીના નામનું એલાન ભાજપ ધારાસભ્ય દળના નેતા પસંદ કર્યા બાદ કરવામાં આવશે. ભાજપે સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને મહારાષ્ટ્રના ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. એકનાથ શિંદે સાથે વાત નક્કી થઈ ગઈ છે. તે નાયબ મુખ્યમંત્રીનાસ પદ માટે સંમત થઈ ગયા છે. આ સાથે જ તેમનો વિભાગ પણ નક્કી થઈ ગયો છે. 


મહારાષ્ટ્રમાં બુધવારે સવારે 10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક યોજાશે. મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. અજિત પવાર અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત શિંદે કયા મંત્રાલયો સંભાળશે તે પણ નક્કી કરવામાં આવ્યું છે. શિવસેના પ્રમુખ અને કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રીનું પદ સ્વીકારી લીધું છે. તેમને શહેરી વિકાસ મંત્રાલય મળે તેવી શક્યતા છે. ભાજપના પૂર્વ મંત્રી ગિરીશ મહાજન સોમવારે સાંજે થાણેમાં શિંદેને મળ્યા હતા. મહાજને અહીં લગભગ એક કલાક સુધી શિંદે સાથે બેઠક કરી હતી. ગિરીશ મહાજને કહ્યું કે, મહાયુતિમાં બધું જ બરાબર છે. શિંદેનું દિલ મોટું છે, તેઓ એવા લોકોમાંથી નથી કે જેઓ નાની-નાની વાતો પર ગુસ્સે થઈ જાય, તેઓ નારાજ ન થાય. આવતીકાલથી બધા સાથે કામ કરતા જોવા મળશે. અમે પાંચ વર્ષ સુધી મજબૂતી સાથે સરકાર ચલાવીશું.