ઉદ્ધવ ઠાકરે ફરી હિન્દુત્વની શરણે! બીએમસી ચૂંટણી પહેલાં કાર્યકર્તાઓને કર્યું આહ્વાન

December 03, 2024

મુંબઈ : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હાર બાદ હવે શિવસેના (યુબીટી) ફરી હિન્દુત્વના રસ્તે જઈ રહ્યા છે. હકીકતમાં મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન આજે ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના પૂર્વ કાઉન્સિલરો સાથે બેઠક કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'બીએમસી ચૂંટણીમાં હિન્દુત્વના મુદ્દાને જનતાની વચ્ચે લઈ જાવ. શિવસેના હિન્દુત્વ માટે શરૂઆતથી જ લડતી રહી છે, આજે પણ લડી રહી છે અને લડતી રહેશે. વિરોધી પાર્ટીઓ એવો દુષ્પ્રચાર કરી રહી છે કે, અમે હિન્દુત્વનો મુદ્દો મૂકી દીધો છે. હિન્દુત્વના મુદ્દા પર વિરોધીઓને વળતો જવાબ આપો.'


ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ચૂંટણી દરમિયાન અન્ય રાજ્યોથી ભાજપ નેતા/કાર્યકર્તા મહારાષ્ટ્રમાં આવે છે અને અહીં કામ કરે છે. આપણે પણ જમીની સ્તર પર જઈને કામ કરવું જોઈએ. બીએમસી પર ભગવો લહેરાવાનો છે, અત્યારથી કામે લાગી જાવ. ઈવીએમનો મુદ્દો છે પરંતુ, તેને આપણે જોઈ લઈશું. તમે સંગઠનને મજબૂત કરવા માટે કામ શરૂ કરો. ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે, તેથી ગેરજવાબદારી ન રાખશો, લોકો પાસે જાવ અને નવી ઉર્જા સાથે કામ કરો.