હવે ગરીબો કોર્ટ-કચેરીમાં પગ મૂકતાં ગભરાશે નહીં, સમય પર મળશે ન્યાય : મોદી

December 03, 2024

ચંડીગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પંજાબના ચંડીગઢની મુલાકાતે છે. અહીં તેમણે ત્રણ નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણના લોકાર્પણ પ્રસંગે નાગરિકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે અને બંધારણના 75 વર્ષ પણ પૂરા થયા છે, ત્યારે હાલના સમયમાં બંધારણની ભાવનાથી પ્રેરિત ભારતીય ન્યાયિક સંહિતાનો પ્રારંભ થવો, બહુ મોટી વાત છે. હવે ગરીબો કોર્ટ-કચેરીમાં પગ મૂકતાં ગભરાશે નહીં, સમય પર ન્યાય મળશે. તેમણે કહ્યું કે, અગાઉના સમયમાં ગુનેગારો કરતા નિર્દેષોમાં વધુ ડર રહેતો હતો. અનેક મહત્ત્વના કાયદાઓ ચર્ચાથી દૂર રખાયા હતા. દેશમાં કલમ-370, ત્રિપલ તલાક પર ઘણી ચર્ચા થઈ અને હવે વક્ફ સંશોધન વિધેયક પર ચર્ચા થઈ રહી છે. દેશના નાગરિકોએ આપણા બંધારણમાં જે કલ્પના કરી હતી, તેને પૂરા કરવાનો આ ચોક્કસ પ્રયાસ છે.

હું હંમેશા સાંભળતો આવ્યો છું કે, કાયદાની નજરમાં બધા સમાન હોય છે, પરંતુ વ્યવહારિક સત્ય કંઈક અલગ જ હોય છે. કાયદો તમામ પેઢી પ્રત્યેની સંવેદનાઓથી પરિપૂર્ણ છે. તેમણે કહ્યું કે, દેશની આઝાદી પછીના સાત દાયકામાં ન્યાય વ્યવસ્થા સામે પડકારો હતા, જેના પર અમે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. અમે તમામ કાયદાની વ્યવહારિક સ્થિતિ જોયાબાદ તેમાં ફેરફાર કરી તેને કડક બનાવ્યા અને હવે તેનું પરિણામ ભારતીય ન્યાયિક સંહિતાના રૂપે આપણી સામે આવ્યું છે. હું આ માટે સુપ્રીમ કોર્ટ, માનનીય ન્યાયાધીશો, દેશની તમામ હાઈકોર્ટોનો વિશેષ આભાર વ્યક્ત કરું છું.