'સંભલમાં ભાઈચારાને ગોળી મારી, પોલીસે માહોલ બગાડ્યો..' સંસદમાં અખિલેશ યાદવે સરકારને ઘેરી

December 03, 2024

સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષ દ્વારા સંભલ હિંસા અને અદાણી પર અમેરિકાના આરોપો મુદ્દે જોરદાર રીતે હોબાળો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સંભલ હિંસા મામલે આજે (ત્રીજી ડિસેમ્બર) સપાના વડા અને સાંસદ અખિલેશ યાદવે સંભલ હિંસા મામલે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'સંભલ હિંસા એ સમજી વિચારીને રચાયેલું કાવતરું છે. સંભલમાં ભાઈચારાને ગોળી મારી દેવામાં આવી.' સંભલ હિંસા મામલે અખિલેશ યાદવે સંસદમાં કહ્યું હતું કે, 'આ વિસ્તારમાં સૌ કોઈ ભાઈચારા સાથે રહેતું હતું પરંતુ જામા મસ્જિદના સરવેના નામે માહોલ બગાડવામાં આવ્યો. જે રીતે જામા મસ્જિદમાં ખોદકામની વાતો થઈ રહી છે તેનાથી દેશનો સૌહાર્દ બગડશે.' અખિલેશે કહ્યું કે અધિકારીઓ મનમાની કરે છે. સરકારના ઈશારે જ આ બધુ થઈ રહ્યું છે. અગાઉ આ પ્રકારનું વર્તન ક્યારેય જોવા મળ્યું નથી. કમ સે કમ જવાબદાર અધિકારીઓ સામે તો કાર્યવાહી થવી જોઇએ. જે લોકો જગહ-જગહ ખોદ દેના (સરવે) ચાહતે હૈ વો દેશ કા સૌહાર્દ ખો દેંગે. આ સમજી વિચારેલી રણનીતિ છે. જેના હેઠળ ભાજપ ઠેર ઠેર આ પ્રકારના કૃત્ય કરી રહ્યો છે. અખિલેશ યાદવે સરકારને ઘેરતાં કહ્યું કે, 'વર્તમાન સરકાર બંધારણને માનતી જ નથી. 19મી નવેમ્બરે અરજી દાખલ કરાઈ હતી, પરંતુ બીજા પક્ષને સાંભળ્યા વિના જ સરવેના આદેશ જારી કરી દેવાયા. એમાંય જો એકવાર સરવે કરી લેવાયો હતો તો પછી બીજી વખત જવાની શું જરૂર હતી.'