સીરિયા ફરી અખાડો બન્યું! અમેરિકા-તૂર્કી બળવાખોરોની પડખે, રશિયા પ્રમુખ અસદની તરફેણમાં

December 03, 2024

ઇઝરાયલ અને હામાસ વચ્ચેના યુદ્ધથી શરૂ થયેલી અશાંતિએ સમગ્ર મધ્ય પૂર્વને ઘેરી લીધું છે. ઇઝરાયલ હામાસ અને હિઝબુલ્લાહ બંને સામે લડી રહ્યું છે. પરંતુ આ દરમિયાન યુદ્ધનો એક નવો મોરચો સીરિયા તરફ પણ ખુલતો જણાય છે.  સીરિયાના વિદ્રોહી જૂથોએ બશર અલ-અસદ સરકાર સામે મોરચો શરુ કરી દીધો છે. આ વિદ્રોહીઓએ અલેપ્પો સહિત દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર પર કબજો કરી લીધો છે. હવે આ બળવાખોરો હામા નજીક સીરિયન સેનાનો સામનો કરી રહ્યા છે જ્યારે રશિયા તેમના પર હવાઈ હુમલો કરી રહ્યું છે. અલેપ્પો બાદ હામાના ઘણા વિસ્તારો પણ કબજે કરી લેવામાં આવ્યા છે. વિદ્રોહીઓએ સીરિયન આર્મી કેમ્પ પર પણ કબજો કરીને મોટી સંખ્યામાં હથિયારો  જપ્ત કરી લીધા છે. જેના કારણે હયાત તહરિર અલ-શામના લડવૈયાઓ વધુ ઘાતક બન્યા છે. હામાના ચાર પ્રાંત કબજે કર્યા બાદ બળવાખોરો વધુ આગળ વધ્યા છે. આ દરમિયાન રશિયાએ અસદ સરકારના સમર્થનમાં હવાઈ હુમલા કર્યા છે. 2011માં, સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ થયેલા બળવાએ ગૃહ યુદ્ધનું સ્વરૂપ લીધું હતું. આ સમયગાળા દરમિયાન, મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા અને અંદાજ મુજબ, 1.2 કરોડ લોકો વિસ્થાપિત થયા હતા. પરંતુ વિદ્રોહીઓએ હવે સીરિયાની સરકાર સામે નવો મોરચો શરુ કર્યો છે. બળવાખોર જૂથો કહે છે કે તેમનો ઉદ્દેશ્ય નાગરિકોને હવાઈ હુમલાથી બચાવવા અને તેમના પ્રદેશો પર ફરીથી દાવો કરવાનો છે. એવો આરોપ છે કે ઈરાન સમર્થિત અસદના દળોએ યુદ્ધ છેડ્યું છે. બળવાખોરો અસદને સરમુખત્યાર માને છે, જેના પર 2013માં દેશના ઘોઉટા વિસ્તારમાં કેમિકલ વેપન્સનો ઉપયોગ કરવાનો આરોપ છે. બળવાખોરો તેને સત્તા પરથી હટાવવા માંગે છે.