શેખ હસીનાએ દર વર્ષે 13 લાખ કરોડ રૂપિયાની ચોરી કરી... બાંગ્લાદેશ સરકારના રિપોર્ટમાં દાવો

December 02, 2024

બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને લઈને એક આશ્ચર્યજનક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, શેખ હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન દેશમાંથી દર વર્ષે સરેરાશ 16 અબજ ડૉલરની ચોરી થતી હતી. અહેવાલ રજૂ કરતી સમિતિની રચના વચગાળાની સરકારના વડા પ્રધાન મુહમ્મદ યુનુસે કરી હતી. અહેવાલ સામે આવ્યા બાદ યુનુસે એક નિવેદનમાં કહ્યું, 'શેખ હસીનાએ અર્થતંત્રને કેવી રીતે લૂંટ્યું તે જાણીને અમારું લોહી ઉકળે છે. દુઃખની વાત એ છે કે તેઓએ ખુલ્લેઆમ લૂંટ કરી અને આપણામાંથી મોટાભાગના લોકો તેનો સામનો કરવાની હિંમત કરી શક્યા નથી. આ રિપોર્ટ દર્શાવે છે કે અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ શું છે.' કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સમસ્યા અમે વિચારી હતી તેના કરતાં ઘણી મોટી છે. કમિટીએ હસીનાના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિના પુરાવા રજૂ કર્યા છે. કમિટીએ આ કૌભાંડમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા કાયદાકીય કાર્યવાહી શરુ કરવાની ભલામણ કરી છે.