રાહુલ-પ્રિયંકા લોકસભામાં સાથે નહીં બેસી શકે, દરેક સાંસદોના 'સીટ નંબર' થયા ફાઇનલ!

December 03, 2024

હાલમાં સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ સાથે જ 18મી લોકસભામાં દરેક સાંસદોની સીટની વ્યવસ્થાને પણ અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. બીજી તરફ વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધીની સીટની વ્યવસ્થા ચોથી હરોળમાં કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે એ જાણવું જરૂરી છે કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સીટ વચ્ચે કેટલું અંતર છે? યાદી પ્રમાણે પીએમ મોદીને લોકસભામાં સીટ નંબર એક ફાળવવામાં આવી છે. જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સીટ નંબર બે અને ગૃહમંત્રી અમિત શાહ સીટ નંબર 3 પર બેસશે. એવી જ રીતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને અગાઉ સીટ નંબર 58 ફાળવવામાં આવી હતી પરંતુ સોમવારે જાહેર કરેલી સુધારેલી યાદી પ્રમાણે હવે તેમને સીટ નંબર ચાર આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, 29 નવેમ્બરના સર્ક્યુલરમાં સીટ નંબર ચાર અને પાંચને ખાલી છોડવામાં આવી હતી પરંતુ નવી યાદીમાં તેને અપડેટ કરવામાં આવી છે. આવી જ રીતે નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ. જયશંકર, આરોગ્ય મંત્રી જે પી નડ્ડા જેવા દિગ્ગગજ નેતાઓની બેઠકો ખાલી રહેશે. વિપક્ષના વરિષ્ઠ નેતાઓની સીટ લોકસભાની પ્રથમ હરોળમાં જેમ હતી તેમ જ રહેશે. કોંગ્રેસના નેતા અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સીટ નંબર 498 પર બેસશે, જ્યારે સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવને સીટ નંબર 355 અને લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાયને સીટ નંબર 354 ફાળવવામાં આવી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને રાહુલ ગાંધીની બાજુમાં સીટ નંબર 497 આપવામાં આવી છે. આ ઉપરાંત જેમની સીટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તેમાંથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદને લોકસભાની બીજી હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે હવે સીટ નંબર 357 પર બેસશે. 358 સીટ પર ડિમ્પલ યાદવ તેમની બાજુમાં બેસશે. પહેલીવાર સાંસદ બનેલા પ્રિયંકા ગાંધીને ચોથી હરોળની સીટ ફાળવવામાં આવી છે. તેઓ સીટ નંબર 517 પર બેસશે. કેરળના કોંગ્રેસ સાંસદ અદૂર પ્રકાશ અને આસામના પાર્ટી સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ તેમની સાથે બેસશે. આમ લોકસભામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સીટ વચ્ચે 19 સીટોનું અંતર છે.