અમેરિકા પાસે નાણાં ખતમ થઈ ગયા ! રશિયા વિરુદ્ધ યુદ્ધ લડી રહેલા યૂક્રેનને મદદ કરવાનો મહાસત્તાનો ઈન્કાર

December 05, 2023

યુક્રેન-રશિયા (Russia-Ukraine War) વચ્ચે લગભગ દોઢ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે, તો અસંખ્ય લોકો ઘરવિહોણા બની ગયા છે, ત્યારે હવે યુક્રેન પર વધુ એક મુશ્કેલી આવી ચઢી છે. અમેરિકાએ રશિયા વિરુદ્ધ યુદ્ધ લડી રહેલા યૂક્રેનને તમામ મદદ કરી છે, જોકે આજે અમેરિકાએ તાજેતરના નિવેદનમાં યૂક્રેન ખભેથી હાથ લઈ લીધો છે. વ્હાઈટ હાઉસે નિવેદન બહાર પાડી કહ્યું કે, તેની પાસે રશિયા વિરુદ્ધ યુદ્ધમાં યૂક્રેનને મદદ કરવા માટે નાણાં ખતમ થઈ ગયા છે. વ્હાઈટ હાઉસ (US White House)ની બજેટ નિદેશક શલાંડા યંગે (Shalanda Young) આજે રિપબ્લિકન હાઉસના અધ્યક્ષ માઈક જોન્સન અને અન્ય કોંગ્રેસ નેતાઓને એક પત્ર લખ્યો છે. પત્રમાં ચેતવણી અપાઈ છે કે, યુક્રેનને મદદ કરવા માટે અમેરિકા પાસે સમય અને નાણાંની કમી છે.વાસ્તવમાં આ વર્ષે ઓક્ટોબરમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન (President Joe Biden) વહિવટી તંત્રએ દેશની સંસદ પાસે યૂક્રેન, ઈઝરાયેલ અને અમેરિકી બોર્ડરની સુરક્ષા માટે લગભગ 106 બિલિયન ડૉલરની માંગ કરી હતી. તો બીજીતરફ યૂક્રેનને યુદ્ધમાં ફન્ડિંગ આપવાનો મામલો અમેરિકામાં રાજકીય રીતે વિવાદાસ્પદ બની ગયો છે. શલાંડા યંગે વ્હાઈટ હાઉસ તરફથી પત્ર બહાર પાડી કહ્યું કે, યૂક્રેનનું ફન્ડિંગ અને હથિયારોની સપ્લાય રોકવાથી રશિયા યુદ્ધ જીતી શકે છે. તેમણે લખ્યું કે, હું સ્પષ્ટ જણાવવા માંગુ છું કે, આ વર્ષના અંત સુધી યૂક્રેનને આપવા માટેના નાણાં અને શસ્ત્ર સંસાધનો આપણા ખતમ થઈ જશે. યૂક્રેનને મદદ પહોંચાડવા માટે આપણી પાસે કોઈ જાદુઈ સાધન નથી. અમારી પાસે નાણાં નથી અને તેનો સમય પણ ખતમ થઈ ગયો છે.