દુકાનદારો વિરૂદ્ધની જાહેરાતથી અમિતાભ સામે આખા દેશમાં રોષ, ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા હોવાનો આરોપ

October 03, 2023

મુંબઈ :  અમિતાભ બચ્ચને એક ઈ કોમર્સ કંપનીની જાહેરખબરમાં છૂટક દુકાનદારો વિરોધી ઉચ્ચારણો કરતાં દેશભરના વેપારીઓ અને ખાસ કરીને મોબાઈલ રિટેલર્સમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે વિવિધ સંગઠન દ્વારા અમિતાભે ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા હોવાનો આરોપ કરતી જાહેરાત થઈ રહી છે. એક ઈ કોમર્સ કંપનીની જાહેરાતમાં અમિતાભે એવો સંવાદ બોલે છે કે 'આ દુકાનમાં મળશે નહીં.'  આ જાહેરાત સામે ખાસ કરીને મોબાઈલ રિટેલર્સમાં રોષ ફેલાયો છે. દેશના દોઢ લાખ મોબાઈલ વેપારીઓનાં સંગઠન ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશને સ્માર્ટ ફોન વેચનારી કંપનીઓને પત્ર પાઠવી આ મુદ્દે સ્પષ્ટતાની માગણી કરી છે. તેમાં જણાવાયું છે કે આ પ્રકારની જાહેરાતથી અમને આંચકો લાગ્યો છે કારણ કે તેમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરવમાં આવી રહ્યા છે. એક મેગા સ્ટાર દ્વારા આ પ્રકારની છેતરામણી જાહેરાત થઈ રહી છે તે વધુ હતાશાજનક છે. દેશનાં આઠ કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ ધરાવતાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા  આ અંગે ખુદ અમિતાભને પણ દુકાનદારોની ઘવાયેલી લાગણીની વાત પહોંચાડવામાં આવી છે. અમિતાભની જાહેરાતને લગતો વિવાદ થયો હોય તેવું આ પહેલીવાર બન્યું નથી. આ અગાઉ તેમણે એક પાનમસાલાની સરોગેટ એડ એટલે કે એ જ  બ્રાન્ડનેમની બીજી પ્રોડક્ટ માટે જાહેરાત કરી હતી. બાદમાં અમિતાભે આ પાનમસાલા કંપનીને પોતાનું નામ નહીં વાપરવા જણાવ્યું હતું અને એવો બચાવ પણ કર્યો હતો કે સરોગેટ એડ વિશે પોતાને કોઈ માહિતી નથી. અમિતાભ ખુદ રિઝર્વ બેન્કના બ્રાન્ડ એમ્બેસેડર છે પરંતુ તેમણે ભારતમાં ક્રિપ્ટો ચલણ બાબતે સ્પષ્ટ નીતિ નિયમ નહીં હોવા છતાં  એક ક્રિપ્ટો તથા એનએફટી પ્રોડક્ટને લગતી જાહેરાત કરતાં તે મુદ્દે પણ વિવાદ થયો હતો.