ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ, અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, દર્દી સારવાર હેઠળ

January 10, 2025

અમદાવાદ : દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઈરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી. આ વાઈરસના અમુક કેસો ભારત સહિત ગુજરાતમાં નોંધાયા છે, ત્યારે રાજ્યમાં HMPVનો પ્રથમ કેસ અમદાવાદ અને હિંમતનગરના પ્રાંતિજમાં બીજો કેસ નોંધાયો હતો. જ્યારે રાજ્યમાં HMPVનો વધુ એક કેસ અમદાવાદના વસ્ત્રાપુરમાં સામે આવ્યો છે. 

ચીનના ખતરનાક વાઇરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલમાં નોંધાયો હતો. રાજ્યમાં HMVPનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધ હાલ મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે. 

અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હૉસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં અમદાવાદ બાદ હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું.