અમદાવાદના અસામાજિક તત્ત્વોની બીજી યાદી તૈયાર, કાર્યવાહીનો સિલસિલો યથાવત રહેશે

March 25, 2025

અમદાવાદના વસ્ત્રાલની ઘટના સરકાર અને પોલીસતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્ય પોલીસ વડા દ્વારા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવા અને યાદી બનાવવાની સૂચના બાદ રાજ્યભરમાંથી અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરાઇ હતી. ત્યારે અમદાવાદમાં અસામાજિક તત્ત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પોલીસ અને સ્પેશિયલ મોનિટરિંગ સેલ દ્વારા આરોપીઓની બીજી યાદી તૈયાર કરાઇ છે. જેમાં 10 જેટલા ગુનેગારો વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા કુલ 12 ઈસમોની ધરપકડ કરી પાસાની કાર્યવાહી કરી રાજ્યની સુરત જેલમાં ધકેલી દીધા છે અને 5 ઈસમોને તડીપાર કરવા કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરી છે. જેમાં 3264 બુટલેગરો, 2149 શરીર સંબંધિત, 958 મિલકત સંબંધિત, 516 જુગાર, 545 અન્ય શખ્સોની યાદી તૈયાર કરી છે. ત્યારબાદ આ તમામ શખ્સો વૉચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરવામાં આવશે.