વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા

March 27, 2025

વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રોહિયાળ જંગલ ગામના છેવાડે કોતરમાંથી થોડા દિવસ પહેલા મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેની પોલીસને જાણ થતા જ કપરાડા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરતા આરોપી ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા ચોંકવાનારી વિગતો સામે આવી હતી. આરોપી મૃતક મહિલાનો ભત્રીજો નિકળ્યો હતો અને તેણે મહિલા પર બે વાર દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખી હતી.

મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રોહિયાળ જંગલ ગામના છેવાડે કોતરમાંથી થોડા દિવસ અગાઉ એક મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આ મૃતક મહિલાની ઓળખ તાઇબેન દોવાડ તરીકે થઈ હતી. આ મહિલાનું ગળું દબાવી અને માથામાં પથ્થર મારી હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે મૃતક મહિલાના ભત્રીજા ભગુ દોધારની ધરપકડ કરી છે.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ભગુ દોધારે એકલતાનો લાભ લઇ ઘરમાં જ પોતાની કાકી તાઈબેન પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ ગામના છેવાડે આરોગ્ય કેન્દ્રની પાછળ લઈ જઈ ફરી એકવાર દુષ્કર્મ કર્યું હતું. તાઈબેન આ વાત ગામમાં કહી ન દે તેવો ડર રાખીને ભગુ દોધારે મહિલાનું ગળું દબાવી અને માથામાં પથ્થર મારી હત્યા નિપજાવી હતી તથા મૃતદેહ કોતરમાં ફેંકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે, આ મામલે  પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ગણતરીના સમયમાં જ આરોપી ભગુ દોધાર ઝડપાઈ ગયો હતો.