અમદાવાદના એમેઝોન વેરહાઉસ પર BISના દરોડા, 5834 બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કરાયા

March 28, 2025

અમદાવાદ : અમદાવાદમાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના અધિકારીઓની ટીમ દ્વારા ગઈકાલે ગુરુવારે (27 માર્ચ, 2025) બાવળાના રાજોડા ગામ ખાતે આવેલાં મેસર્સ એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં BISની ટીમે એમેઝોન વેરહાઉસ માંથી 5834 બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કર્યા હતા.
અમદાવાદના બાવળાના રાજોડા ગામ ખાતે આવેલા મેસર્સ એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં ઘરેલું ઉપયોગ માટે 563 ઇન્સ્યુલેટેડ ફ્લાસ્ક, ફૂડ પેકેજિંગ માટે 3536 એલ્યુમિનિયમ ફોઇલ, 779 ડોમેસ્ટિક સ્ટેનલેસ સ્ટીલ વેક્યૂમ ફ્લાસ્ક/બોટલ, 152 પ્લાસ્ટિક ફીડિંગ બોટલ, 613 ઇલેક્ટ્રિક રમકડાં અને 191 નોન-ઇલેક્ટ્રિક રમકડાં સહિત કુલ 5834 કન્ઝ્યુમર ગૂડ્ઝ ફરજિયાત BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના સંગ્રહિત હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી BISની ટીમે એન્ફોર્સમેન્ટ દરોડા પાડીને BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના સંગ્રહિત કરી અને વેચાણ કરતા રૂ.55 લાખની કિંમતના ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા હતા. 
ફર્મએ BIS એક્ટ 2016ની કલમ 17નું સ્પષ્ટ ઉલ્લંઘનમાં જણાવાયું છે કે, BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના ક્યુસીઓ હેઠળ આવરી લેવામાં આવેલા માલના વેચાણ, સંગ્રહ અથવા વિતરણ પર પ્રતિબંધ છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીને કાયદાકીય રીતે પ્રથમ ઉલ્લંઘન માટે બે વર્ષ સુધીની કેદ અથવા રૂ. 2 લાખનો દંડ અથવા બંને, જ્યારે અનુગામી ઉલ્લંઘનો માટે રૂ.5 લાખ દંડ, જે માલના મૂલ્યના દસ ગણા સુધી વધી શકે છે.