ગાઝામાં યુદ્ધ વિરામ લાગુ, હમાસે ઇઝરાયલને આપી બંધકોની યાદી: નેતન્યાહુની જાહેરાત

January 19, 2025

ગાઝા : ઈઝરાયલ અને હમાસના યુદ્ધ પર હવે સમાપ્ત થયું છે. વડાપ્રધાન નેતન્યાહુના કાર્યાલયે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરી જણાવ્યું કે, ગાઝામાં યુદ્ધવિરામ કરાર લાગુ થઈ ગયો છે. નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું કે, યુદ્ધવિરામ ત્રણ કલાક મોડુ શરૂ થયું. કારણ કે, હમાસે બંધકોની લિસ્ટ શેર કરવામાં મોડુ કર્યું હતું. વડાપ્રધાન નેતન્યાહુએ એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, ઈઝરાયલના બંધકોની યાદી મળી ગઈ છે અને તેમની સિક્યોરિટી તપાસ કરવામાં આવી રહી છે. હમાસે નામ સોંપવામાં મોડુ કરવા માટે 'ટેક્નિકલ ખામી' ને જવાબદાર ગણાવી હતી. હમાસે કહ્યું કે, અમે ગત અઠવાડિયે જાહેર યુદ્ધવિરામ કરાર માટે પ્રતિબદ્ધ છીએ. જણાવી દઈએ કે, સાત ઓક્ટોબર, 2023ના દિવસે હમાસ દ્વારા ઈઝરાયલમાં પ્રચંડ હુમલા કરાયા હતા, જેમાં આશરે 1200 મોત થયા હતાં. આ દરમિયાન 250થી વધુને બંધક બનાવાયા હતા. ત્યારબાદ ઈઝરાયલ તરફથી ગાઝામાં ચલાવાયેલા સૈન્ય અભિયાનમાં અત્યાર સુધી 46,899 લોકોના મોત થઈ ગયા છે. 

અમેરિકા અને કતરની મધ્યસ્થીમાં થયેલાં કરારની બુધવારે જાહેરાત કરાઈ હતી. હમાસે શુક્રવારે કહ્યું કે, ગાઝામાં યુદ્ધવિરામના રસ્તા પરથી તમામ અડચણો દૂર થઈ ગઈ છે. હમાસે પહેલાં જ આ કરારનો સ્વીકાર કરી દીધો છે. યુદ્ધવિરામનો આ કરાર ત્રણ તબક્કામાં થશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ઘવિરામનો પહલો તબક્કો રવિવારે સવારે 8:30 વાગ્યે લાગુ થવાનો હતો. પરંતુ, હમાસે બંધકોની યાદી આપવામાં મોડુ કર્યું જેનાથી તે ત્રણ કલાક મોડુ લાગુ કરવામાં આવ્યું છે. કરાર હેઠળ અઠવાડિયાના પહેલાં તબક્કામાં હમાસ 98 બંધકોમાંથી 33 બંધકોને મુક્ત કરશે. તેમાં તમામ મહિલા, બાળકો અને 50થી વધારે ઉંમરના લોકો હશે. જોકે, ઈઝરાયલ તેના બદલે પોતાની જેલમાંથી આશરે બે હજાર પેલેસ્ટાઇનના લોકોને મુક્ત કરશે. તેમાં અહેમદ બરગૌટી જેવા અમુક આતંકવાદી પણ સામેલ છે. બરગૌટી ઈઝરાયલમાં હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.