ભારત બાદ અમેરિકામાં TikTok સત્તાવાર રીતે બંધ, યુઝર્સ પાસે માફી માગી, ચીન પર જાસૂસીનો આરોપ

January 19, 2025

દિલ્હી : અમેરિકામાં ટિકટોક (TikTok)એ કામ કરવાનું બંધ કરી દીધું છે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં લોકો હવે આ લોકપ્રિય શોર્ટ-વીડિયો પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. મહિનાઓની કાનૂની લડાઈ પછી શુક્રવારે (17મી જાન્યુઆરી)  અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ટિકટોક પર પ્રતિબંધ મૂકવાના કાયદાને મંજૂરી આપી હતી.

અહેવાલો અનુસાર, અમેરિકામાં ટિકટોક યુઝર્સ જ્યારે એપ ખોલે છે ત્યારે એક મેસેજ આવે છે. જેમાં લખ્યું છે કે, 'અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કરવામાં આવ્યો છે. કમનસીબે, આનો અર્થ એ છે કે તમે હાલમાં ટિકટોકનો ઉપયોગ કરી શકતા નથી. અમે ભાગ્યશાળી છીએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ પદ સંભાળ્યા પછી ટિકટોક ફરીથી શરૂ કરશે. કૃપા કરીને અમારી સાથે જોડાયેલા રહો.' અહેવાલો અનુસાર, અમેરિકાના અધિકારીઓએ ટિકટોક પર ચિંતા વ્યક્ત કરી છે, તેમણે દાવો કર્યો છે કે, ટિકટોક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. ચીની સરકાર આ એપનો ઉપયોગ અમેરિકનોની જાસૂસી કરવા અથવા કઈ સામગ્રી બતાવવામાં આવે છે અથવા છુપાવવામાં આવે છે તેને નિયંત્રિત કરીને ગુપ્ત રીતે જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરવા માટે કરી શકે છે. આ ચિંતા ચીનના રાષ્ટ્રીય સુરક્ષા કાયદાઓથી ઉદ્ભવી છે, જે કંપનીઓને ગુપ્તચર પ્રવૃત્તિઓમાં મદદ કરવાની જરૂર છે. FBIના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જણાવ્યું હતું કે ચીની સરકાર ટિકટોકના સોફ્ટવેર દ્વારા અમેરિકનોના ઉપકરણોને ઍક્સેસ કરી શકે છે અને તેમની સાથે ચેડા કરી શકે છે.