ટ્રમ્પનો પહેલા જ દિવસે 200 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરવાનો પ્લાન

January 20, 2025

અમદાવાદ: અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ બનતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીમાં આપેલા એક ભાષણમાં સત્તા સંભાળતા જ પોતે શું કરવાના છે તેની એક ઝલક આપી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જરાય મોડું કર્યા વિના તેઓ વ્હાઈટ હાઉસમાં પ્રવેશતા જ ઢગલાબંધ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર સાઈન કરવાના છે.

ટ્રમ્પે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે અમેરિકાના લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો છે અને તેના બદલામાં અમે તેમને બેસ્ટ ફર્સ્ટ ડે આપીશું, આગામી એક અઠવાડિયા સુધી પણ અનેક મોટા નિર્ણયો લેવાશે તેમજ આવનારા 100 દિવસ અમેરિકાની અત્યારસુધીની પ્રેસિડેન્સીના ઈતિહાસના 100 સૌથી સર્વશ્રેષ્ઠ દિવસ સાબિત થશે.

અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે જ 200થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર સહી કરી શકે છે, જેમાં બોર્ડર સિક્યોરિટી, માસ ડિપોર્ટેશન, કેપિટલ હિલ રાયટ્સના આરોપીઓને માફી, ઓઈલ અને ગેસનું પ્રોડક્શન વધારવા ઉપરાંત હજારો ફેડરલ એમ્પ્લોઈઝને રૂખસદ આપવા સહિતની બાબતોને આવરી લેતા ઓર્ડર્સ સામેલ હોઈ શકે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે બાઈડને જેટલા પણ મૂર્ખામીભર્યા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ ઈશ્યૂ કર્યા હતા તેમને પણ પોતે સત્તા સંભાળતા જ ગણતરીના કલાકોમાં રદ્દ કરી દેશે.