'ઈઝરાયલ-હમાસ બાદ હવે રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરીશ...', શપથ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન

January 20, 2025

અમેરિકાના 47મા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આજે શપથ લેવાના છે ત્યારે એના પહેલાં જ તેમણે એક મોટું એલાન કરતાં કહ્યું હતું કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે બે વર્ષથી ચાલતા યુદ્ધના અંત બાદ હવે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત લાવવામાં આવશે.   ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજા વિશ્વયુદ્ધ વિશે આશંકાઓ વચ્ચે કહ્યું કે હું આવું નહીં થવા દઉં. હું મધ્યપૂર્વમાં અરાજકતાનો અંત લાવીશ.  આ સાથે તેમણે એક સંપ્રભુ દેશ અને સરહદે નિયંત્રણો લાગુ કરવાનું આહ્વાન કર્યું. આ સાથે ગેરકાયદે વિદેશીઓ અને પ્રવાસી ક્રિમિનલ્સને અમેરિકામાંથી તગેડી મૂકવાની વાત કહી હતી.  ટ્રમ્પે કહ્યું કે હું ઈલોન મસ્કના નેતૃત્વમાં સરકારી દક્ષતાનો નવો વિભાગ બનાવીશ. ઈલોન મસ્ક કહે છે કે ઘણાં પરિવર્તનની આશા છે. આ જીતની શરૂઆત છે. અમે અમેરિકાને આગામી સદીમાં મજબૂત કરવાની દિશામાં કામ કરવા તૈયાર છીએ. અમેરિકાને ફરી મહાન બનાવવું છે.  ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે મધ્ય પૂર્વમાં સ્થાયી શાંતિ તરફના પ્રથમ પગલા તરીકે ઐતિહાસિક યુદ્ધવિરામ કરાર કરાવવામાં સફળ રહ્યા છીએ. આ કરાર ફક્ત નવેમ્બરમાં આપણી ઐતિહાસિક જીતના પરિણામે જ થઈ શક્યો છે. બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. જો હું રાષ્ટ્રપતિ હોત તો આ (ઇઝરાયલ-હમાસ સંઘર્ષ) ક્યારેય ન થયું હોત.