છોકરીઓનો ભણવા ઉપરથી પ્રતિબંધ દૂર કરવા તાલિબાન નેતાએ જ અવાજ ઉઠાવ્યો

January 20, 2025

કાબુલ: અફઘાનિસ્તાનનાં વિદેશ મંત્રાલયના ડેપ્યુટી સચિવ શેર અબ્બાસ સ્ટાનિક જઇએ શનિવારે સાંજે ખોસ્ત પ્રાંતમાં સભાને સંબોધિત કરતાં કહ્યું કે છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવાનું કોઈ કારણ નથી. ભૂતકાળમાં તેમ થયું હતું. પરંતુ આ યુગમાં તેમ કરવાનો કોઇ મતલબ નથી. આજે તેમજ ભવિષ્યમાં પણ તેવું ન કરવું જોઇએ કે દેશની અર્ધો અર્ધ વસ્તી શિક્ષણ રહીત રહી જાય. વિદેશી સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી હાંકી કાઢવામાં તાલિબાનોનું નેતૃત્વ લેનારા સ્ટાનિક જઇએ કહ્યું હતું આપણે દેશની ૪ કરોડની વસ્તીમાંથી ૨ કરોડ ઉપર શિક્ષણ પ્રતિબંધ મુક્યો છે. તેઓને તેમના અધિકારોથી વંચિત રાખ્યાં છે. આવો કોઈ ઇસ્લામી કાનૂન જ નથી, પરંતુ આ તો આપણે આપણી મરજી પ્રમામે કર્યું છે. હું કેન્દ્રીય નેતૃત્વને ફરી એકવાર કહું છું કે, તેઓએ છોકરીઓનાં શિક્ષણ માટે દ્વાર ખોલી નાખવાં જોઇએ. તેઓ આગળ ભણશે તો જ અફઘાનિસ્તાન પ્રગતિ કરી શકશે. આ પહેલીવાર નથી થયું કે જ્યારે સ્ટાનિક જઇએ મહિલાઓ અને છોકરીઓના હક્કમાં અવાજ ઉઠાવ્યો હોય, અને વિરોધ નોંધાવ્યો હોય. પરંતુ આ વખતે તો તેઓએ તાલિબાનોના શિર્ષનેતા હિબતુલ્લા અખુંદજાદા જેઓ સભામાં હાજર હતા. તેમને સંબોધિને કહ્યું હતું.