કોલકાતા આરજી કર મેડિકલ કોલેજ દુષ્કર્મ-હત્યા કેસ, આરોપી સંજય રોયને આજીવન કેદની સજા

January 20, 2025

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. એટલે કે મૃત્યું ન પામે ત્યાં સુધી કારાવાસની સજા ફટકારવામાં આવી છે. 19 જાન્યુઆરીએ કોર્ટે તેને આ કેસમાં દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે  પીડીતાના પરિવાર માટે વળતરનો પણ આદેશ કર્યો છે. પરંતુ પીડીતાના માતા-પિતાએ અગાઉની જેમ વળતર લેવાનો ઈનકાર કર્યો છે.

સીબીઆઈના વકીલે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી આરોપીને ફાંસીની સજાની માગ કરી હતી. જેનો આરોપીના વકીલે ભારે વિરોધ કર્યો હતો. તમામ આખરી દલીલો બાદ જજ અન્રિમાન દાસને આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ન હોવાનું લાગતા આરોપીને ફાંસીની સજા ફટકારી નથી. સીબીઆઈએ કોર્ટમાં અનેક મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા, આરોપી સંજય રોયને દોષિત ઠેરવવામાં લોકેશન અને સીસીટીવી ફૂટેજે મહત્વપૂર્ણ પુરાવાઓ રજૂ કર્યા હતા. જજે પીડિતાના પરિવારને આ મામલે કોઈ વળતર જોઈતુ ન હોવાનું જણાવ્યું હતું.  

સજા સંભાળતા પહેલાં જજે સંજયને પૂછ્યું હતું કે, 'તારા ઉપર દુષ્કર્મ અને હત્યાના તમામ આરોપો સાબિત થઈ ચૂક્યા છે. સંભવિત સજા વિશે શું કહેશો?' જેના પર સંજયે કહ્યું હતું કે, 'મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. હું હંમેશા રૂદ્રાક્ષની માળા પહેરુ છું. જો મેં ગુનો કર્યો હોત તો ક્રાઈમ સીન પર જ મારી માળા તૂટી ગઈ હોત. મને બોલવા જ દીધો નથી. અનેક વખત કાગળો પર દબાણપૂર્વક હસ્તાક્ષરો કરાવી લેવામાં આવ્યા છે.'

પીડિતાના પરિવારે આરોપી સંજય રોયને આકરીથી આકરી સજા આપવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં અગાઉ કહ્યું હતું કે, 'ફાંસીના બદલે વૈકલ્પિક સજા આપવા વિચારણા કરી શકે છે.'