ઓસ્ટ્રેલિયાએ તોડ્યું ટીમ ઈન્ડિયાનું સપનું, અમદાવાદમાં ઐતિહાસિક જીત સાથે જીતી છઠ્ઠી ટ્રોફી

November 19, 2023

ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટે 241 રન બનાવી મેચ પોતાના નામે કરી

અમદાવાદઃ પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી વિશ્વકપ-2023ની ફાઈનલમાં ભારતને 6 વિકેટે શમરજનક પરાજય આપી છઠ્ઠીવાર વિશ્વ કપની ટ્રોફી કબજે કરી છે. આ સાથે રોહિત શર્માની ભારતીય ટીમનું વિશ્વ વિજેતા બનવાનું સપનું તૂટી ગયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટે 241 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પાંચમી ઓવરમાં 30 રનના સ્કોર પર શુભમન ગિલ (4) મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. પાવરપ્લેમાં રોહિત શર્માએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. રોહિતે 31 બોલમાં 4 ચોગ્ગા અને 3 સિક્સની સાથે 47 રન બનાવ્યા હતા. રોહિત શર્મા પાવરપ્લેની અંતિમ ઓવરમાં મેક્સવેલનો શિકાર બન્યો હતો. ભારતે પ્રથમ 10 ઓવરમાં 2 વિકેટે 80 રન ફટકાર્યા હતા. 
વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી છે. ફાઈનલમાં પણ કોહલીએ અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટમાં નવમી વખત 50+ રન બનાવ્યા હતા. કોહલી 63 બોલમાં 4 ફોર સાથે 54 રન બનાવી આઉટ થયો હતો. કોહલી ભારતનો સ્કોર 148 રન હતો ત્યારે આઉટ થયો હતો. શ્રેયસ અય્યર માત્ર 4 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો હતો. 


ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે વિશ્વકપ ફાઈનલમાં શાનદાર બેટિંગ કરી સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડે માત્ર 95 બોલમાં  14 ફોર અને એક સિક્સ સાથે પોતાની સદી પૂરી કરી હતી. ટ્રેવિસ હેડે પ્રથમ ઓવરથી આક્રમક વલણ અપનાવ્યું હતું. એક તરફ ઓસ્ટ્રેલિયાએ શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવી હતી, પરંતુ ટ્રેવિસ હેડે મજબૂતીથી ભારતીય બોલરોનો સામનો કર્યો હતો. આ સાથે આઈસીસી વિશ્વકપની ફાઈનલમાં સદી ફટકારનાર ટ્રેવિસ હેડ સાતમો બેટર બની ગયો છે. ટ્રેવિસ હેડ 119 બોલમાં 15 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 137 રન બનાવી આઉટ થયો હતો. 
ઓસ્ટ્રેલિયાની ટીમે રેકોર્ડ છઠ્ઠીવાર વિશ્વકપની ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયન ટીમ વર્ષ 1987, 1999, 2003, 2007 અને 2015માં વિશ્વ વિજેતા બની ચુકી હતી. હવે ભારતને હરાવી ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠીવાર વિશ્વ કપ પોતાના નામે કર્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આઠમી વખત વિશ્વકપ ફાઈનલમાં પહોંચી હતી. 


- ટ્રેવિસ હેડ અને લાબુશેન વચ્ચે વિજયી ભાગીદારી
ઓસ્ટ્રેલિયાએ 49 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને દમદાર બેટિંગ કરી હતી. લાબુશેને અડધી સદી તથા હેડે સદી ફટકારી હતી. માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડે ચોથી વિકેટ માટે 192 રનની ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. ટ્રેવિસ હેડ 58 અને મેક્સવેલ 2 રન બનાવી અણનમ રહ્યાં હતા. 

વિશ્વકપ ફાઈનલમાં સદી ફટકારનાર ખેલાડી
ક્લાઇવ લોયડ 102 વિ ઓસ્ટ્રેલિયા લોર્ડ્સ 1975
વી રિચાર્ડ્સ 138* વિ ઈંગ્લેન્ડ લોર્ડ્સ 1979
અરવિંદા ડી સિલ્વા 107* વિ ઓસ્ટ્રેલિયા લાહોર 1996
રિકી પોન્ટિંગ 140* વિ ઈન્ડિયા, જોબર્ગ 2003
એડમ ગિલક્રિસ્ટ 149 વિ એસએલ બ્રિજટાઉન 2007
માહેલા જયવર્દને 103* વિ ઈન્ડિયા, મુંબઈ, વાનખેડે 2011
ટ્રેવિસ હેડ, 100* વિ ભારત, અમદાવાદ 2023

- પાવરપ્લેમાં ભારતને મળી ત્રણ સફળતા
ભારતે આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ડેવિડ વોર્નર માત્ર 7 રન બનાવી મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મિચેલ માર્શ 15 રન બનાવી બુમરાહની ઓવરમાં આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 48 રન હતો ત્યારે બુમરાહે સ્ટીવ સ્મિથ (4) ને LBW આઉટ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પાવરપ્લેમાં 3 વિકેટે 60 રન બનાવ્યા હતા.