કેનેડા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો આંચકો, સરકારે સ્ટુડન્ટ ફંડ બમણું કર્યું

December 09, 2023

કેનેડા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓએ હવે કેનેડામાં અભ્યાસ કરવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. કારણ કે ટ્રુડો સરકારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આવી સ્થિતિમાં હવે વિદ્યાર્થીઓને ટ્યુશન ફી સિવાય વધુ પૈસાની જરૂર પડશે.

કેનેડા માટે સ્ટડી વિઝા મેળવવા માંગતા વિદ્યાર્થીઓને હાલમાં 10 હજાર ડોલરની જરૂર પડે છે. પરંતુ હવે એક વિદ્યાર્થીએ તેના ખાતામાં 20 હજાર 635 ડોલરની રકમ દર્શાવવી પડશે. એટલું જ નહીં, જો વિદ્યાર્થીની સાથે પરિવારનો કોઈ સભ્ય પણ આવે તો 4 હજાર ડોલરની વધારાની વ્યવસ્થા કરવી પડશે.
 
કેનેડાની સરકારે આ પગલું ભારે હાઉસિંગ કટોકટી બાદ ઉઠાવ્યું છે. જેથી કેનેડા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરી શકાય. હાલમાં 8 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા આવે છે. તેમાંથી 3 લાખ 20 હજાર ફક્ત ભારતના છે. આ વિદ્યાર્થીઓમાં પણ 70 ટકા માત્ર પંજાબના છે. ગુરુવારે કેનેડા સરકારના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે અમે સપ્ટેમ્બર 2024 પહેલા વિઝા મર્યાદિત કરવા માટે આ પગલું લઈ રહ્યા છીએ.