ભારતની પ્રાદેશિક અખંડતાને કેનેડાએ સમર્થન આપ્યું

October 07, 2024

કેનેડાની સરકાર દ્વારા આખરે ભારતની પ્રાદેશિક અખંડિતતાને સ્વીકારવામાં આવી છે. કેનેડાની ટ્રુડો સરકારે આ મુદ્દે તેનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે ભારત એક જ છે. ભારતની પ્રાદેશિક અખંડતા અંગે તેનું વલણ સ્પષ્ટ અને પૂર્ણ છે. કેનેડાનાં વિદેશ બાબતોનાં ઉપ મંત્રી ડેવિડ મોરિસને ઓટ્ટાવામાં ફોરેઈન ઈન્ટરફીયરન્સ કમિશન સમક્ષ આ વાત કરી હતી.

આમ આખરે કેનેડાની સાન ઠેકાણે આવી છે અને ભારતનાં સાર્વભૌમત્વને સ્વીકારવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે કેનેડાની નીતિ ઘણી સ્પષ્ટ છે. ભારતની પ્રાદેશિક અખંડતાનું સન્માન કરવું જોઈએ. ભારત એક જ છે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. મોરિસન કેનેડામાં ભારતનાં વિદેશ સચિવ સમકક્ષ પદ સંભાળે છે.

મોરિસને સ્વીકાર્યું હતું કે બંને દેશો વચ્ચે ખાનગી સ્તરે વાતચીત ચાલી રહી છે. અમારી ચેનલો ખુલ્લી છે અમે નવી દિલ્હી સાથે વાતચીત કરી રહ્યા છીએ. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજજરની હત્યામાં ભારતનાં સરકારી એજન્ટોની સંડોવણીનાં આરોપો પછી બંને દેશ વચ્ચેનાં સંબંધોમાં તંગદીલી સર્જાઈ હતી.