શિંદે પર વિવાદિત ટિપ્પણી: કુણાલ કામરાને પોલીસનું તેડું, શિવસેનાએ કહ્યું- અમે છોડીશું નહીં

March 25, 2025

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષભર્યો વીડિયો બનાવનાર સ્ટેન્ડઅપ કોમેડિયમ કુણાલ કામરા વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે પહેલા કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મુદ્દે મુંબઈ પોલીસ અધિકારીઓએ તેનો ફોન પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ હવે ખાર પોલીસે તેને નોટિસ મોકલીને પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. ખાર પોલીસે કુણાલ કામરાને તેના ઘરે સમન્સ મોકલ્યું છે. કુણાલ હાલ મુંબઈમાં નથી, તેથી કૃણાલના પિતાને સમન્સ સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે કુણાલને વોટ્સએપ દ્વારા સમન્સ મોકલીને પૂછપરછ માટે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા જણાવ્યું છે. જોકે આ વીડિયો સામે આવતાં જ એકનાથ શિંદેની સેનાના શિવસૈનિકો ભડક્યા હતા અને તેમણે રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા સ્ટુડિયો અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. સોમવારે BMC અધિકારીઓની ટીમે મુંબઈમાં હેબિટેટ સ્ટુડિયોનો એક ભાગ તોડી પાડ્યો હતો. આ સ્ટુડિયોમાં જ કામરાએ વિવાદાસ્પદ શૉનું રેકોર્ડિંગ કર્યું હતું.