દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં 153 લોકોનો ભોગ લીધો, 191 હજુ ગુમ

November 30, 2025

દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં તારાજી સર્જી છે. સમાચાર એજન્સી IANSના અહેવાલ અનુસાર શ્રીલંકામાં મૃતકોની સંખ્યા વધીને 153 થઈ છે. સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર અનુસાર હજુ ઓછામાં ઓછા 191 લોકો ગુમ છે. બીજી તરફ હજુ પણ કેટલાક લોકો પાણીમાં ફસાયેલા હોવાથી રેસ્ક્યૂ ઓપરેશન પણ તેજ કરવામાં આવી છે. વાવાઝોડામાં ભારે પવન સાથે વરસાદની સાથે સાથે અનેક સ્થળોએ ભૂસ્ખલનના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. કુદરતી આફતના કારણે 25 જિલ્લાના આશરે પોણા આઠ લાખ લોકો પ્રભાવિત થયા છે. એક લાખથી વધુ લોકોને રાહત શિબિરમાં આશરો આપવામાં આવ્યો છે. બેઘર થયેલા લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવા પ્રયાસ કરાઈ રહ્યા છે. આ કપરી સ્થિતિમાં ભારત પણ શ્રીલંકાની મદદ માટે આગળ આવ્યું છે. ભારતની રેસ્ક્યૂ ટીમો શ્રીલંકાની એરફોર્સ તથા પોલીસ સાથ મળીને લોકોને બચાવવા માટે મદદ કરી રહી છે. ભારતના બે નેવી હેલિકોપ્ટરની મદદથી પન્નાલામાં પૂરના પાણીમાં ફસાયેલા આઠ લોકોને બચાવવામાં આવ્યા. ભારતના કુલ ચાર હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં જોતરાયા છે. બે હેલિકોપ્ટર INS વિક્રાંતથી કામ કરી રહ્યા છે.