શેરબજારમાં ફ્લેટ શરૂઆત બાદ ધૂમ તેજી, નિફ્ટી ઓલટાઈમ હાઈ, આઈટી શેર્સમાં તેજી

August 28, 2024

વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો સાથે શેરબજારમાં તેજી જોવા મળી છે. બપોરના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી 50એ પણ નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતાઓ પ્રબળ બનતાં સ્થાનિક બજારમાં આઈટી શેર્સમાં લેવાલીનું પ્રેશર વધ્યું છે. જેના પગલે નિફ્ટી 25126.50ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જે 2.25 વાગ્યે 104.50 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ સેન્સેક્સ 288.03 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. જે લગભગ 22થી વધુ ટ્રેડિંગ સેશન બાદ ફરી પાછુ 82000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ 1 ઓગસ્ટે 82129.49ની ઐતિહાસિક ટોચે હતો. આઈટી શેર્સમાં તેજીના પગલે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 42712ની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. બીજી બાજુ મીડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી (2.28 ટકા), નિફ્ટી ફાર્મા (0.82 ટકા), નિફ્ટી હેલ્થકેર (0.93 ટકા) ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા. પીએસયુ અને એફએમસીજી શેર્સમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું.