કિયારા અડવાણીને ટોક્સિક માટે 15 કરોડ રૂપિયા ચૂકવાયાની ચર્ચા

March 22, 2025

મુંબઈ : કિયારા અડવાણીને યશ સાથેની ફિલ્મ 'ટોક્સિક' માટે ૧૫ કરોડ રુપિયા ચૂકવાયા હોવાની ચર્ચા છે. કિયારા બોક્સ ઓફિસ પર પોતાના જોર પર કલેક્શન લાવી શકે તેવી મોટી એકટ્રેસ ગણાતી નથી. તેમ છતાં પણ તેને આટલી મોટી ફી ચૂકવાયાના અહેવાલોએ આશ્ચર્ય જન્માવ્યું છે.  કિયારાને આ પહેલાં સાઉથની 'ગેમચેન્જર' ફિલ્મ માટે પાંચ કરોડ રુપિયાની ફી મળી હતી. તે ફિલ્મ ટિકિટબારી પર ફલોપ ગઈ હતી. તે પછી હવે તેને 'ટોક્સિક' માટે ૧૫ કરોડ રુપિયા ચૂકવાયા હોવાના અહેવાલો વહેતા થયા છે. કિયારા હાલ પ્રેગનન્ટ છે અને 'ટોક્સિક ' તે મેટરનિટી લીવ પર ઉતરે તે પહેલાંનો છેલ્લો પ્રોજેક્ટ બની રહેવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાંના અહેવાલો અનુસાર પ્રિયંકા ચોપરાને રાજામૌલીની મહેશબાબુ સાથેની આગામી ફિલ્મ માટે ૩૦ કરોડ રુપિયા ચૂકવાયા છે.  પ્રિયંકાએ પોતે હવે ઈન્ટરનેશનલ સ્ટાર હોવાનું જણાવી તે પ્રમાણે ફી માગી હતી. કોઈ પણ ભારતીય અભિનેત્રીને ચૂકવાયેલી આ સૌથી વધુ એમાઉન્ટ હોવાનું કહેવાય છે. બીજી તરફ દીપિકા પદુકોણને 'કલ્કિ ૨૮૯૮ એડી' માટે ૨૦ કરોડ રુપિયા ચૂકવાયા હોવાનું કહેવાય છે.