શાહરુખ ખાનને ઓળખો છો...?', સુદાનમાં અપહરણ કરાયેલા ભારતીય યુવકને RSFના લડાકૂઓનો સવાલ!

November 05, 2025

સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ વચ્ચે એક ભારતીય નાગરિકનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે RSF એટલ કે રેપિડ સપોર્ટ ફોર્સે જે યુવકનું અપહરણ કર્યું છે તે ઓડિશાનો રહેવાસી છે અને તે સુદાનની એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરી રહ્યો છે. આ યુવકનું નામ આદર્શ બહેરા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે હાથ જોડીને બેઠો છે અને ઓડિશા સરકાર પાસે મદદ માગી રહ્યો છે. તેનું કહેવું છે કે, છેલ્લા બે વર્ષથી સુદાનમાં તેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં RSF લડાકૂઓએ 200 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.  આદર્શનો એક સુદાનથી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ યુવકને સુદાનના RSF લડાકૂઓ વચ્ચે જોઈ શકાય છે. વીડિયોમાં RSFના લડાકૂઓ આદર્શ બહેરાને પૂછી રહ્યા છે કે, શું તમે શાહરુખ ખાનને ઓળખો છો? ઉત્તરપૂર્વ આફ્રિકાનો દેશ સુદાન હાલમાં ગંભીર ગૃહયુદ્ધમાંથી પસાર થઈ રહ્યો છે. જેમાં હરીફ લશ્કરી જૂથો વચ્ચે હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. આદર્શ બહેરા 2022થી સુદાનની એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરી રહ્યો હતો. તેને કથિત રીતે  RSFએ બંધક બનાવી લીધો છે. આરએસએફ એક શક્તિશાળી અર્ધલશ્કરી જૂથ છે જે અગાઉ સુદાન સરકાર સાથે જોડાયેલું હતું. મોહમ્મદ હમદાન ડગોલો જેને હેમેતીના નામથી પણ ઓળખવામાં આવે છે તે RSFનું નેતૃત્વ કરી રહ્યો છે. 2023માં ગૃહયુદ્ધ શરૂ થયું ત્યારથી RSF સુદાની સશસ્ત્ર દળો (SAF) સામે લડી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બહેરાનું રાજધાની ખારતૂમથી લગભગ 1,000 કિલોમીટર દૂર અલ ફશીરથી અપહરણ કરવામાં આવ્યું હતું અને માનવામાં આવી રહ્યું છે કે તેને દક્ષિણ દારફુરમાં આરએસએફના ગઢ ન્યાલા લઈ જવામાં આવ્યો છે.
શાહરુખ ખાનને ઓળખો છો...?
બહેરાના પરિવાર દ્વારા શેર કરાયેલા એક વિચલિત કરનાર વીડિયોમાં 36 વર્ષીય બહેરા જમીન પર હાથ જોડીને મદદ માટે વિનંતી કરી રહ્યો છે. વીડિયોમાં તે કહે છે કે, 'હું અલ ફશીરમાં છું જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. હું બે વર્ષથી ખૂબ જ મુશ્કેલીથી અહીં રહી રહ્યો છું. મારો પરિવાર અને બાળકો ખૂબ જ ચિંતિત છે. હું ઓડિશા સરકારને મદદ માટે અપીલ કરું છું.' વીડિયો ક્લિપમાં બહેરાની આસપાસ હથિયારધારી RSF લડાકૂઓ પણ દેખાય રહ્યા છે. તેમાંથી એકને પૂછતા સાંભળી શકાય છે કે, શું તમે શાહરુખ ખાનને ઓળખો છો?  જ્યારે બીજો તેને કેમેરા સામે 'ડગાલો અચ્છે હૈં' બેલવા આદેશ આપે છે.  બહેરાની પત્ની પોતાના 8 અને 3 વર્ષના બે પુત્રો સાથે જગતસિંહપુરમાં રહે છે. તેમણે ઓડિશા સરકાર અને વિદેશ મંત્રાલયને હસ્તક્ષેપ કરવા અને તેમના પતિની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.