‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું...’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી

April 11, 2025

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ તેમના દેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. તંત્રએ ભારતીય વિદ્યાર્થીઓને વહેલીતકે દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ સેંકડો વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેઓને ઈ-મેઇલ મોકલીને ધમકી અપાઈ છે કે, ‘વહેલી તકે દેશ છોડીને ભાગી જાવ.’

ઈ-મેઇલમાં એમ પણ લખાયું છે કે, ‘જો તમે પોતે અમેરિકા છોડીને નહીં જાય તો અમે ભગાડી દઈશું.’ અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક ભારતીય વિદ્યાર્થીઓને ઈ-મેલ મોકલવામાં આવી રહ્યા છે, જેમાં તેમના પર આરોપ પણ લગાવાયા છે. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ એવા છે, જેઓ અમેરિકન કોર્ટમાં નિર્દોષ સાબિત થયા છે.

એક તરફ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે વિશ્વભરમાં ખળભળાટ ચાલી રહ્યો છે. તેમના વલણના કારણે અનેક દેશો પહેલેથી જ પરેશાન છે, ત્યારે હવે ટ્રમ્પ સરકારે વિદ્યાર્થીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે, જેના કારણે નવી સમસ્યા ઊભી થઈ છે. અમેરિકાએ વિશ્વના અનેક વિદ્યાર્થીઓને અમેરિકા છોડવાની ધમકી આપી છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે. આ તમામ વિદ્યાર્થીઓને મેઇલ મોકલીને વિઝા રદ કરી દેવાયા હોવાની માહિતી અપાઈ છે. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ પોતે જ ડિપોર્ટ થઈ જાય.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને ઈ-મેઇલ મોકલવામાં આવ્યા છે, જેમાં નશો કરીને વાહન ચલાવવાનો અને ચોરીનો આરોપ લગાવાયો છે. જોકે જે વિદ્યાર્થીઓને ઈ-મેઇલ મોકલાયા છે, તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પહેલેથી જ નિર્દોષ જાહેર થઈ ચૂક્યા છે.

બીજીતરફ અમેરિકન મીડિયાએ દાવો કર્યો છે કે, ‘જે વિદ્યાર્થીઓએ ટ્રમ્પ સરકાર વિરુદ્ધ વિરોધ કર્યા હતા, પ્રદર્શનોમાં સામેલ થયા હતા, તેવા વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પેલેસ્ટાઈને સમર્થન આપનરાઓ વિદ્યાર્થીઓની મુશ્કેલી વધારાઈ છે.’

અમેરિકાએ તાજેતરમાં વિઝા માટે એક નવો નિયમ બનાવ્યો હતો. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ કહ્યું હતું કે, માર્ચથી અમેરિકામાં વિઝા માટે અરજી કરનારાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરવામાં આવશે. આનો હેતુ સોશિયલ મીડિયા પર કોઈપણ રીતે ઈઝરાયલ અથવા અમેરિકાની ટીકા કરનારા લોકોને અમેરિકા આવતા અટકાવવાનો હતો. આ ઉપરાંત તેમણે અમેરિકામાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખવાનું પણ કહ્યું હતું. ત્યારબાદ અમેરિકામાં વિઝા રદ કરવાની ઝડપી પ્રક્રિયા શરુ કરી દીધી છે.