જય શ્રી રામ', તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું

April 13, 2025

તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિ ફરી વિવાદોમાં ઘેરાયા છે. તેમણે મદુરૈની એક એન્જિનિયરિંગ કૉલેજમાં કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને 'જય શ્રી રામ'ના નારા લગાવવાનું કહેતા રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર રાજ્યપાલનું નિવેદન વાયરલ થયા બાદ વિપક્ષો આક્રમક બની ગયા છે. વિપક્ષે રાજ્યપાલના નિવેદનથી વાંધો ઉઠાવી તેમને આરએસએસના પ્રવક્તા ગણાવ્યા છે. વીડિયોમાં રાજ્યપાલ કમ્બ રામાયણ લખનારા એક પ્રાચીન કવિને શ્રદ્ધાંજલી આપવા માટે વિદ્યાર્થીઓને 'જય શ્રી રામ'નો નારો લગાવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે.


એન્જિનિયરિંગ કૉલેજના એક કાર્યક્રમમાં રાજ્યપાલે કહ્યું કે, આપણે આજના દિવસે તે મહાપુરુષને શ્રદ્ધાંજલી આપીશું, જેઓ શ્રીરામના મહાન ભક્ત હતા. હું કહીશ જય શ્રી રામ, તમે પણ કહો જય શ્રી રામ.વીડિયોમાં તેઓ વિદ્યાર્થીઓને આવું કહેતા જોવા મળી રહ્યા છે. રાજ્યપાલના નિવેદનથી સત્તાધારી ડીએમકે અને કોંગ્રેસને વાંધો પડ્યો છે. ડીએમકેના પ્રવક્તા ધરનીધરને કહ્યું કે, રાજ્યપાલનું નિવેદન ધર્મનિરપેક્ષ મૂલ્યોની વિરુદ્ધ છે. રાજ્યપાલ બંધારણનું વારંવાર ઉલ્લંઘન કેમ કરી રહ્યા છે? તેમણે હજુ સુધી રાજીનામું કેમ ન આપ્યું? તેઓ આરએસએસના પ્રવક્તા બની ગયા છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ તેમને તેમની જગ્યા બતાવી દીધી હતી.


કોંગ્રેસ ધારાસભ્ય આસન મૌલાનાએ પણ રાજ્યપાલની ટીકા કરી કહ્યું કે, તેઓ દેશના ટોચના પદ પર છે, પરંતુ તેઓ કોઈ ધાર્મિક પ્રચારકની જેમ બોલી રહ્યા છે. ભારત ધર્મ, ભાષા અને સંસ્કૃતિ મુદ્દે વિવિધતાથી ભરેલો દેશ છે. રાજ્યપાલ જય શ્રી રામનો નારો લગાવી અસમાનતા અને ધાર્મિક વિચારધારાને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ હવે RSS અને BJPના પ્રચાર બની ગયા છે. તેમનું નિવેદન બંધારણીય પદની ગરિમાની વિરુદ્ધ છે.