ટ્રમ્પના પ્લાન સામે યુરોપને વાંધો, ઝેલેન્સ્કીને અપાઈ ડેડલાઈન

November 23, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) લાવવાના પ્રયાસરૂપે કિવને મોકલેલા શાંતિ પ્રસ્તાવ પર યુરોપિયન દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રસ્તાવ રશિયાના હિતોની નજીક હોવાનું મનાઈ રહ્યું છે, ત્યારે ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીને 27મી નવેમ્બર સુધીમાં આ પ્રસ્તાવ પર જવાબ આપવાની ડેડલાઈન આપી છે.


વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના નિર્ણયને અંતિમ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'અમેરિકા કોઈપણ સંજોગોમાં સંઘર્ષનો અંત લાવશે અને યુક્રેન 27મી નવેમ્બર સુધીમાં જવાબ આપે તેવી અપેક્ષા છે.' અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે અમેરિકા દ્વારા કિવને મોકલવામાં આવેલો શાંતિ પ્રસ્તાવ અંતિમ નથી. જો યુક્રેન ઈચ્છે તો તે સંપૂર્ણ તાકાતથી લડાઈ ચાલુ રાખી શકે છે.
અહેવાલો અનુસાર, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સેનેટરોને જણાવ્યું હતું કે, '28-મુદ્દાની શાંતિ યોજના રશિયા પાસેથી મળેલી સામગ્રી પર આધારિત છે, જોકે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.'
યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ અમેરિકાના પ્રસ્તાવ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 'કિવ હાલમાં તેના ઇતિહાસના સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યું છે. યુએસનો ડ્રાફ્ટ રશિયાના હિતોની નજીક લાગે છે અને યુક્રેન પર તેને સ્વીકારવા માટે દબાણ વધી રહ્યું છે. દેશે નક્કી કરવું પડશે કે તેનું ગૌરવ જાળવવું કે મુખ્ય સાથી ગુમાવવાનું જોખમ લેવું.'