ઈબ્રાહિમ-ખુશીની નાદાનિયાં જોઈને ચાહકોએ માથું કૂટયું

March 10, 2025

મુંબઈ: સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ અલી ખાન તથા  જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂરની ફિલ્મ 'નાદાનિયાં'  જોઈને ચાહકોએ માથું કૂટયું છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મની ઠેકડી ઉડાડતા મીમ્સનું ઘોડાપૂર આવ્યું છે. કેટલાક લોકોએ લખ્યું છે કે આ ફિલ્મને કચરો કહેવો એ કચરાનું પણ અપમાન છે.  ફિલ્મમાં ખુશી અને ઈબ્રાહિમના હાવભાવ અને ડાયલોગ ડિલિવરીની અનેક ક્લિપ્સ સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે અને લોકો જાતભાતની કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું છે કે સ્ટાર કિડઝને પ્લેટફોર્મ આપવાના નામે કરણ જોહરે દર્શકો પર ફરી વખત અત્યાચાર ગુજાર્યો છે. કેટલાકે આશ્ચર્ય વ્યક્ત કર્યું ંછે કે કરણ જોહર તો સ્ટાર્સના પૈસે તેમનાં સંતાનોેને લોન્ચ કરવાનો ધંધો જ માંડી બેઠો છે એ બરાબર છે પણ નેટફ્લિક્સ તેની જાળમાં કેવી રીતે ફસાય છે. શું ત્યાં કોઈ ક્વોલિટી કન્ટ્રોલ જેવું છે કે નહિ.  એક ચાહકે તો પોતે લમણાં પર પિસ્તોલ તાકતા એક કાર્ટુન કેેરેક્ટરની તસવીર મૂકીને કહ્યું છે કે 'નાદાનિયાં' ફક્ત અડધો કલાક જોયા પછી દિમાગની આ હાલત છે.  કોઈએ લખ્યું છે કે જ્યારે પણ આપણને લાગે છે કે બોલીવૂડ આનાથી વધારે બકવાસ ફિલ્મ નહિ બનાવે ત્યારે 'નાદાનિયાં' જેવી ફિલ્મ આપણને ખોટા પાડી દે છે. કોઈએ  લખ્યું છે કે દરેક માતાપિતાને સંતાન પોતાનાં જ પ્રોફેશનમાં ઝંપલાવે તેવી ઈચ્છા હોય છે. બોલીવૂડના કલાકારો પણ આવી ઘેલછામાંથી બાકાત નથી. બોલીવૂડ સ્ટાર્સએ તેમના સંતાનોને ખાવાપીવા અને હરવાફરવા દેવા જોઈએ. ફિલ્મ લાઈનમાં આવવાનું દબાણ તેમના પર ના કરવું જોઈએ.