લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, 35 સંશોધન સાથે રજૂ કરાયું

March 25, 2025

લોકસભામાં આજે 35 સરકારી સુધારા સાથે ફાઈનાન્સ બિલ 2025ને મંજૂરી આપવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સંશોધન સાથેનું ફાઈનાન્સ બિલ 2025 રજૂ કર્યું હતું. લોકસભામાં મંજૂરી મળ્યા બાદ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

ફાઈનાન્સ બિલમાં 35 સુધારાઓ પૈકી એક સુધારો ઓનલાઈન જાહેરાતો પર લાગુ 6 ટકા ડિજિટલ ટેક્સ નાબૂદ કરવાની જોગવાઈ સામેલ છે. રાજ્યસભામાં બિલને મંજૂરી મળી તો 2025-25 માટેની બજેટ પ્રક્રિયામાં નવા સુધારેલા ફાઈનાન્સ બિલનો સમાવેશ કરવામાં આવશે. યુનિયન બજેટ 2025-26માં સરકારે કુલ રૂ. 50.65 લાખ કરોડનો ખર્ચ કરવાનો અંદાજ મૂક્યો છે. જે ચાલુ નાણાકીય વર્ષ કરતાં 7.4 ટકા વધુ છે.

સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા તેમજ ટેરિફમાં સુધારો કરવાના ઉદ્દેશ સાથે ફાઈનાન્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. નિર્મલા સીતારમણે જણાવ્યા પ્રમાણે, તેમાં કસ્ટમ ડ્યૂટીમાં ફેરફારો, તદુપરાંત નીચા ઉત્પાદન ખર્ચ અને ડ્યુટીમાં ઘટાડો કરવા સાત કસ્ટમ ટેરિફ દૂર કરવાની જોગવાઈ સામેલ છે. 

નવા ફાઈનાન્સ બિલમાં આયાતકારો સેસ અથવા સરચાર્જમાં રાહતનો લાભ મેળવી શકશે. જો કે, બંનેનો લાભ એકસાથે મળશે નહીં. સ્થાનિક ઉત્પાદનને ટેકો આપવા માટે સરકારે ઈવી બેટરી માટે જરૂરી 35 વધારાના કેપિટલ ગુડ્સ અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી 28 કેપિટલ ગુડ્સને કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપવાની જોગવાઈ છે.