ચાર જગદગુરુએ પરીક્ષા લીધી, ફિલ્મોમાં વાપસી અશક્ય..: મહામંડલેશ્વર બન્યા પછી મમતા કુલકર્ણીએ શેર કર્યો અનુભવ

January 27, 2025

જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણી હવે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ચૂકી છે. મહાકુંભ 2025માં મમતા કુલકર્ણીએ આસ્થાની ડૂબકી લગાવી હતી. ત્યારબાદ તેણે કિન્નર અખાડાનો ભાગ બનવાની જાહેરાત કરી હતી. 24 જાન્યુઆરીને સંધ્યાએ મમતાએ પોતાનું પિંડદાન કર્યું હતું. ત્યારબાદ કિન્નર અખાડામાં તેનો પટ્ટાભિષેક કરવામાં આવ્યો હતો.    મહામંડલેશ્વર બન્યા પછી મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે, '144 વર્ષ પછી આવો અવસર આવ્યો છે. ત્યારે મને મહામંડલેશ્વર બનાવવામાં આવી છે. આ આદ્યશકિત જ કરી શકે છે. મેં કિન્નર અખાડાને એટલા માટે પસંદ કર્યું કારણ કે આ અખાડામાં કોઈ પણ જાતનું બંધન નથી, આ સ્વતંત્ર અખાડો છે. તમને જીવનમાં બધું જ જોઈએ છે. પરંતુ ધ્યાન એવી વસ્તુ છે કે જે તમને ભાગ્યે જ મળે છે. સિદ્ધાર્થે (ગૌતમ બુદ્ધ) પણ જીવનમાં ઘણું બધું જોયું હતું પરંતુ પછી તેમનામાં પરિવર્તન આવ્યું હતું.' કિન્નર અખાડાનો ભાગ બન્યા પછી મમતા કુલકર્ણીએ નામ બદલાવીને શ્રી યામીની મમતા નંદ ગીરી કરી દીધું છે.   મહામંડલેશ્વર બનવાનની પક્રિયાને લઈને કુલકર્ણીએ જણાવ્યું હતું કે, 'ચાર જગદગુરુએ મારી પરિક્ષા લીધી હતી. મને ઘણાં કઠિન સવાલો પૂછવામાં આવ્યા હતાં. મારા જવાબથી તેઓ સમજી ગયા કે મેં કેટલી તપસ્યા કરી છે. છેલ્લા બે દિવસથી તેઓ મને મહામંડલેશ્વર બનવાની વિનંતી કરી રહ્યા હતા.'મમતાને એ સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે, શું તે ફરીથી ફિલ્મોમાં કામ કરશે? તેના જવાબમાં મમતાએ કહ્યું હતું કે, 'આની તો હું કલ્પના પણ ન કરી શકું, આ મારા માટે શક્ય નથી. કિન્નર અખાડાના લોકો પોતે જ પરમેશ્વર છે. આ લોકો સદા શિવ આદિશક્તિના સ્વરૂપ છે. આ મારા 23 વર્ષના અભ્યાસ માટે ઓલમ્પિકસ મેડલ જીતવા સમાન છે.'    કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મી ત્રિપાઠીએ મમતા અંગે જણાવતા કહ્યું હતું કે, 'છેલ્લા 2 વર્ષોથી મમતા અમારા સંપર્કમાં હતી. તે સનાતન સાથે જોડાવવા માંગતી હતી. અગાઉ તે જુના અખાડાની શિષ્ય હતી. પછી તે અમારા સંપર્કમાં આવી હતી ત્યારે તેણે પદની માંગણી કરી હતી. ત્યારે અમે તેને બધી જ પ્રક્રિયા વિશે જણાવ્યું હતું.'