ગ્રીન કાર્ડના ઇન્ટરવ્યૂ માટે ગયા અને વિઝા નિયમના ભંગ બદલ ધરપકડ, ટ્રમ્પે ઇમિગ્રન્ટ્સની મુશ્કેલી વધારી

November 29, 2025

વોશિંગ્ટન : અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે ઇન્ટરવ્યુ આપવા જનારાની પણ ધરપકડ કરવાનો નવો સિલસિલો આઇસીઇએ શરૂ કર્યો છે. આઇસીઇ 12 નવેમ્બરથી અત્યાર સુધીમાં આવા ડઝનેક લોકોની ધરપકડ કરી ચૂકી છે. ઓવર સ્ટે સહિતનું કોઈને કોઈ કારણ બતાવી વિઝા નિયમોના ભંગના આરોપસર જીવનસાથીની ધરપકડ કરવામાં આવી રહી છે.  પહેલી ધરપકડ 12 નવેમ્બરના રોજ સાન ડીયેગોમાં થઈ હતી.  તેમા જીવનસાથી પર વિઝાના નિયમનો ભંગ કરવાનો આરોપ લાગ્યો હતો. ગ્રીન કાર્ડ કે પરમેનન્ટ રેસિડેન્સી કાર્ડ ઇમિગ્રન્ટને અમેરિકામાં કાયમી ધોરણે જીવવાની અને કામ કરવાની મંજૂરી આપે છે. કેટલાય નવા દંપતીઓ ગ્રીન કાર્ડ સાથે અમેરિકામાં કારકિર્દીનો પ્રારંભ કરતાં હોય છે. પણ સાન ડીયેગોમાં થયેલી ઘટના પહેલી જ વખત બની હતી અને અનપેક્ષિત હતી. આઇસીઇના હાથે પકડાયેલાઓમાં બ્રિટિશ અને જર્મન નાગરિકો પણ સામેલ છે. તેમા એકને તો પાંચ મહિનાનું બાળક છે.  ન્યૂયોર્ક ટાઇમ્સનું દરેક કહેવું છે કે લગભગ દરેક ઇન્ટરવ્યુ પછી ફેડરલ એજન્ટ વિદેશી જીવનસાથીને હથકડી પહેરાવીને લઈ જાય છે. બ્રિટિશ પત્ની કેટીના પતિએ જણાવ્યું હતું કે મારું પાંચ મહિનાનું બાળક છે તો પણ મારી પત્નીને હુ ગ્રીન કાર્ડ માટે લઈ આવ્યો તો તે હથકડી પહેરાવીને લઈ ગયા હતા. મારે મારી બબીને રાખવા માટે નોકરીમાં રજા લેવી પડી હતી અને મારી પત્ની છોાડાવવા માટે કાયદાકીય કાર્યવાહી પણ કરવી પડી હતી.  આશ્ચર્યની વાત તો એ છે કે આઇસીઇના અધિકારીઓએ લશ્કરના કર્મચારીઓની પત્નીઓને પણ છોડી નથી. યુએસ મરીનમાં ૨૦ વર્ષ નોકરી કરનાર સેમ્યુઅલ શાસ્તીનનું કહેવું છે કે અમને તો એવું લાગે છે કે અમારી સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે મારી થાઇલેન્ડમાં જન્મેલી પત્નીની ધરપકડ કરવામાં આવી ત્યારે એવું જ લાગ્યું હતું કે જાણે મારી સાથે વિશ્વાસઘાત થયો છે. આના કારણે હવે ગ્રીન કાર્ડ માટે જનારાઓમાં ડરનું વાતાવરણ છવાયું છે. તેઓને ચિંતા પેઠી છે કે ગ્રીન કાર્ડ માટે જવું કે નહી. આઇસીઇએ જણાવ્યું હતું કે તેઓ ગેરકાયદેસર રીતે વસતા બધા જ એલિયન્સ સામે કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. કોઈનો ઇતિહાસ ગુનાખોરીનો ન હોય તેના કારણે ગેરકાયદે ઇમિગ્રન્ટ કાયદેસર બની જતો નથી. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવું તે ફેડરલ લોનો ભંગ છે. અમે આવા ગેરકાયદે રહેનારાઓની ધરપકડ કરીશું, અટકાયતમાં લઇશું અને તેમને અહીંથી હાંકી કાઢીશું, પછી ભલેને તે ગમે તે દેશના હોય.