'જો ભારત પાણી રોકશે તો અમે...', ગભરાયેલા પાકિસ્તાની PM શાહબાઝની પોકળ ચીમકી

April 26, 2025

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. બંને દેશોએ એકબીજા વિરુદ્ધ અનેક જાહેરાતો કરી છે, જેમાંથી ભારત દ્વારા સિંધુ જળ સંધિ  સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે એક મોટો નિર્ણય છે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના કારણે પાકિસ્તાન ગુસ્સામાં છે. આ મામલે હવે પાકિસ્તાન વડા પ્રધાન શાહબાઝ શરીફ પ્રતિક્રિયા આપી છે. આ મામલે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું, 'પાકિસ્તાનના પાણીને ઘટાડવા અથવા વાળવાના ભારતના કોઈપણ પ્રયાસનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે. અમે કોઈપણ દુરાચારનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ બાબતે કોઈએ કોઇપણ ભૂલ ન કરવી જોઈએ. આ 240 મિલિયન લોકોનો દેશ છે, અમે અમારા બહાદુર સશસ્ત્ર દળોની સાથે છીએ. આ સંદેશ જોરદાર અને સ્પષ્ટ હોવો જોઈએ.' ભારતે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતાં પાંચ મહત્ત્વના નિર્ણયો લીધા છે. જેમાં 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ પર રોક મૂકી છે. ભારતની આ કાર્યવાહીને પાકિસ્તાનના ડેપ્યુટી PM અને વિદેશ મંત્રી ઈશાક ડારે યુદ્ધને નોતરું આપ્યું હોવાનું જણાવ્યું છે. ડારે કહ્યું કે, પાકિસ્તાનના 24 કરોડ લોકોને પાણીની જરૂર છે. તેને તમે બંધ કરી શકો નહીં. જો પાણી રોકવામાં આવશે તો તેને યુદ્ધનો સંકેત ગણવામાં આવશે અને અમે આકરો જવાબ આપીશું.