પાકિસ્તાન ખોફમાં : રશિયા, ચીનને મધ્યસ્થીની અપીલ કરી

April 28, 2025

 પહેલગામ આતંકી હુમલા પછી ભારતે ભીંસ વધારતાં પાકિસ્તાન ચારેબાજુથી ઘેરાઇ ગયું છે. હવે તે અન્ય દેશોનું સમર્થન મેળવવા રઘવાયું થયું છે અને એકપ્રકારની કાકલૂદી કરી રહ્યું છે. ભારત આ ઘટના માટે તેને જવાબદાર ઠેરવીને તેની પર હુમલો કરી દેશે તેવી ચિંતા તેની કોરી ખાઇ રહી છે. તે મધ્યસ્થી થવા માટે રશિયા અને ચીન જેવા દેશોની સામે રીતસરની ઘૂંટણિયે પડી ગયું છે. 

ચારેતરફથી ઘેરાયેલા પાકિસ્તાને હવે માગણી કરી છે કે ભારત સાચું બોલી રહ્યું છે કે નહીં તે નક્કી કરવા માટેની આંતરરાષ્ટ્રીય તપાસ ટીમમાં રશિયા, ચીન અને બીજા પશ્ચિમી દેશોએ સામેલ થવું જોઇએ. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે રશિયાની ન્યૂઝ એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ માગણી કરીને પાકિસ્તાનની સંડોવણીના ભારતના આરોપ સામે સવાલ ઊભા કર્યાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે મને લાગે છે કે રશિયા, ચીન અથવા તો પશ્ચિમી દેશો પણ આ કટોકટીમાં ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે અને તેઓ એક તપાસ ટીમ પણ બનાવી શકે છે, જે તપાસ કરી શકે છે કે ભારત કે મોદી જૂઠું બોલી રહ્યા છે કે તેઓ સત્ય બોલી રહ્યા છે. એક આંતરરાષ્ટ્રીય ટીમને સત્યની શોધ કરવા દો.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આંતરરાષ્ટ્રીય તપાસને ટેકો આપ્યો હોવાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે આ ક્રૂર આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા હોવા જોઈએ. ભારતના કાશ્મીરમાં આ ઘટનાના ગુનેગારો અને ષડયંત્રકારો કોણ છે તે શોધી કાઢવું જોઇએ. માત્ર વાતો કે ઠાલા નિવેદનોથી કોઇ અસર થતી નથી. એવા કોઈ પુરાવા હોવા જોઈએ કે પાકિસ્તાન સંડોવાયેલું છે અથવા આ લોકોને પાકિસ્તાન દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. ભારત ફક્ત નિવેદનો છે, ખાલી નિવેદનો કરે અને બીજું કંઈ નહીં.