માંડવીની આશ્રમશાળામાં પ્રિન્સિપાલે જ 20 વિદ્યાર્થીનીઓ સાથે અડપલાં કરતાં ચકચાર મચી

October 07, 2024

સુરત  : સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી એક આશ્રમશાળામાં ફરજ બજાવતા 52 વર્ષના પ્રિન્સિપાલની કાળી કરતૂત સામે આવી છે. તેણે આશ્રમમાં રહેતી અને ધો.7 અને 8માં અભ્યાસ કરતી 15થી 20 વિદ્યાર્થિનીઓને અડપલા કરી છેડતી કરતા ચકચાર મચી છે. આદિજાતિ આશ્રમશાળા અધિકારીએ પ્રાથમિક તપાસ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી પ્રિન્સિપાલની ધરપકડ કરી છે.

માંડવીથી કીમ જતા રોડ ઉપર આવેલી એક આશ્રમશાળામાં પ્રિન્સિપાલ તરીકે યોગેશ નાથુભાઈ પટેલ ફરજ બજાવે છે. યોગેશ પટેલ આશ્રમશાળામાં વર્ષ 2003માં શિક્ષક તરીકે જોડાયો હતો, વર્ષ 2013થી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. યોગેશ પટેલ કેટલાક સમયથી આશ્રમશાળામાં રહીને ધો.7 અને 8માં અભ્યાસ કરતી 14થી 15 વર્ષની વિદ્યાર્થિનીઓ સાથે અવારનવાર શારીરિક અડપલા કરી છેડતી કરતો હતો. જે અંગે વિદ્યાર્થિનીઓએ શરૂઆતમાં ગૃહમાતાને જાણ કરી હતી. બાદમાં ધો.8માં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિનીને દવાના બહાને શારીરિક અડપલા કરી છેડતી કરતા વિદ્યાર્થિનીએ પોતાના વાલી તેમજ ગૃહમાતાને જાણ કરી હતી.